

પાટણ, 10 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં મઘાપુરા અને નાનાપુરા ગામ વચ્ચે આવેલી સતીયા મા તળાવમાં ડૂબી જવાથી સગા ભાઈ-બહેનનાં કરુણ મોત નીપજ્યાં છે. મઘાપુરા રામનગર વિસ્તારમાં રહેતા સવજીભાઈ નિરાશી ઠાકોરનાં સંતાનો દિવ્યાબેન (15) અને જયેશ સવજીભાઈ નિરાશી ઠાકોર (11) ખેતરેથી પરત ફરી રહ્યાં હતાં. આ દરમિયાન તળાવ પાસે પાણી પીવા અને હાથ ધોવા જતાં બંનેનાં પગ લપસી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. આ દુર્ઘટનામાં બંનેનાં મોત નીપજતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મૃતક દિવ્યાબેન ધોરણ 9માં અને જયેશ ધોરણ 5માં અભ્યાસ કરતાં હતાં. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી હોસ્પિટલ પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી. આ ઉપરાંત રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો.
રાધનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. વાઘિયાએ જણાવ્યું હતું કે દિવ્યાબેન સવજીભાઈ નિરાશી ઠાકોર અને જયેશ સવજીભાઈ નિરાશી ઠાકોરનાં સતીયા મા તળાવમાં ડૂબી જવાથી મોત થયાં છે. પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરી છે. બે સંતાનોના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, જ્યારે ગામમાં પણ શોકનો માહોલ છવાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ