
રાજકોટ, 11 ઓક્ટોબર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, રાજકોટના માર્ગદર્શન હેઠળ 'આવાસ યુથ રોડ સેફ્ટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ કેમ્પેઇન' હેઠળ આત્મીય યુનિવર્સિટી ખાતે માર્ગ સલામતી જાગૃતિ અને ૫૦૦ નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા અંગે વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના ૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે રોડ સેફ્ટી ક્વિઝ યોજવામાં આવી હતી. ક્વિઝમાંથી પસંદ થયેલા ૫૦૦ વિદ્યાર્થીઓએ 'માર્ગ સલામતી દૂત' તરીકે તાલીમ મેળવી વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતને માર્ગ અકસ્માત મુક્ત રાજ્ય બનાવવાના શપથ લીધા હતા. ઉપસ્થિત અગ્રણીઓ અને અધિકારીઓએ યુવાનોને સુરક્ષિત ભારત નિર્માણ માટે નિયમિત હેલ્મેટ પહેરવા અને વાહન વ્યવહારના નિયમોનું પાલન કરવા આહ્વાન કર્યું હતું.
તાલીમ દરમિયાન મુખ્ય ટ્રેનર દ્વારા 'રોડ સેફ્ટી ચક્ર' અને 'ડ્રાઇવિંગ ચાલીસા' આધારિત પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું, જેમાં સ્પીડ કંટ્રોલ, લેન ડ્રાઇવિંગ અને અકસ્માત વખતે ઇજાગ્રસ્તોની મદદ કરી 'રાહવીર' બનવાની પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રસંગે 'ડ્રાઇવિંગ ચાલીસા' પોકેટ બુકનું મહત્વ સમજાવી યુવાનોને તે પોતાના જીવનમાં ઉતારવા અને પરિજનોને પણ માર્ગ સુરક્ષાના નિયમો પાળવા પ્રોત્સાહિત કરવા જણાવાયું હતું.
આવાસ ફાઇનાન્શિયર્સ લિમિટેડ, રાજસ્થાન રોડ સેફ્ટી સોસાયટી, સ્ટીલબર્ડ અને આત્મીય યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ આયોજનમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને યુનિવર્સિટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે તાલીમ પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી પોકેટ બુક તેમજ તાલીમ સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt