
રાજકોટ, 11 ઓક્ટોબર (હિ.સ.) : આજે તા.૧૧ ઓક્ટોબરે ઉજવાતા ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે સમાજમાં દીકરીઓના અસ્તિત્વ, સન્માન, શિક્ષણ અને અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. સ્ત્રી-પુરુષ સમાનતાની ભાવના દ્રઢ કરવા અને દીકરીના જન્મને ગૌરવશાળી ક્ષણ તરીકે વધાવવા સરકાર દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત અનેકવિધ સકારાત્મક પ્રવૃત્તિઓ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ યોજના હેઠળ નવજાત દીકરીઓના જન્મના સન્માનરૂપે ‘દીકરી વધામણાં કીટ’ આપવાની પહેલ શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ છેલ્લા છ મહિના (એપ્રિલથી સપ્ટેમ્બર) દરમિયાન ૧૦૦થી વધુ નવજાત દીકરીઓને આ કીટ અર્પણ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. જનાના સિવિલ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલા ‘સેવાસેતુ’ કાર્યક્રમોમાં આ કીટનું વિતરણ કરાયું છે.
દીકરીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત કિશોરી મેળો, માસિક સ્વચ્છતા, સાયબર સેફ્ટી, બાળલગ્ન નાબૂદી અને દીકરીઓના કાનૂની અધિકારો જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે માર્ગદર્શન પૂરું પાડીને સમાજમાં ‘દીકરો-દીકરી એક સમાન’નો સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દીકરીઓના પોષણ, સુરક્ષા, શિક્ષણ અને રોજગારની સમાન તકો પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે.
સરકાર તરફથી મળતી ‘દીકરી વધામણાં કીટ’માં આરામદાયક કપડાં, મચ્છરદાની સાથેનું બેબી બ્લેન્કેટ, સાબુ, પાવડર અને તેલ જેવી જરૂરી બેબી કેર પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માતા અને બાળકીના પોષણ માટે પૌષ્ટિક આહાર તેમજ મહિલા કલ્યાણલક્ષી સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવે છે. આ કીટ નવજાત બાળકીના આરોગ્ય, પોષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સ્નેહપૂર્ણ પ્રોત્સાહન પૂરું પાડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt