
રાજકોટ, 11 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના નાનામવા રોડ પર સાગરચોક પાસે બપોરે રૂ. ૧૧ લાખની રોકડ રકમથી ભરેલા થેલાની લૂંટ થયાની ઘટના પોલીસ તપાસમાં બોગસ નીકળી છે. મામાએ અપાવેલા નાણાં પરત ન આપવા પડે તે માટે ભાણેજે બે શખ્સો સાથે મળીને આ લૂંટનું તરકટ રચ્યું હોવાનું ખુલતા તાલુકા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, મેહુલનગર બંધ શેરીમાં રહેતા હરદેવસિંહ સજુભા ઝાલા (૪૪) કાનગી શાળામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમના ભાણેજ ધીરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા (૩૨, રહે. ઘનશ્યામનગર શેરી નં.૧) વાહનોની લે-વેચનો ધંધો કરે છે. ધંધા માટે પૈસાની જરૂરિયાત હોવાનું જણાવતા હરદેવસિંહે મોટામવામાં રહેતા પોતાના સાઢુભાઈ પાસેથી રૂ. ૧૧ લાખ લઈને ભાણેજને આપ્યા હતા.
તાજેતરમાં હરદેવસિંહે આ રકમ પરત માંગતા ધીરેન્દ્રસિંહે ઘરે આવવા કહ્યું હતું. જેથી હરદેવસિંહ બાઈક લઈને ભાણેજના ઘરે ગયા હતા, જ્યાં ધીરેન્દ્રસિંહે રૂ. ૧૧ લાખ રોકડા ભરેલો થેલો આપ્યો હતો. ત્યારબાદ બંને બાઈક પર મોટામવા જવા નીકળ્યા હતા. હરદેવસિંહ બાઈક ચલાવતા હતા અને રોકડ ભરેલો થેલો પાછળ બેઠેલા ભાણેજ ધીરેન્દ્રસિંહના હાથમાં હતો.
બંને નાનામવા રોડ પર સાગરચોક નજીક પહોંચ્યા ત્યારે પાછળથી બાઈક પર આવેલા બે શખ્સો થેલો ઝૂંટવીને નાસી છૂટ્યા હતા. લૂંટની આ ઘટના અંગે ૧૧૨ નંબર પર કોલ કરવામાં આવતા ડીસીપી જગદીશ બાંગરવા, ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ શંકાના આધારે બે શખ્સોને ઝડપી લઈને કડક પૂછપરછ કરતા સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.
પોલીસ પૂછપરછમાં ભાણેજ ધીરેન્દ્રસિંહે જ મામાના પૈસા પચાવી પાડવાના ઈરાદે આ બનાવટી લૂંટનું તરકટ ઘડ્યું હોવાની કબૂલાત કરી હતી. કાવતરા મુજબ તેણે બે શખ્સોને સાથે રાખીને ચાલુ બાઈકે થેલો લૂંટી જવાનો ખેલ રચ્યો હતો. આ મામલે તાલુકા પોલીસે સરકાર પક્ષે ફરિયાદી બનીને ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt