રાજકોટ સરસ મેળો: મોરબીના ટંકારાના સખી મંડળની મહિલા સશક્તિકરણની પ્રેરણાદાયી ગાથા
રાજકોટ, 11 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સરસ મેળામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણના વિઝનને સાર્થક કરતી અદભુત સફળતાની ગાથાઓ જોવા મળી રહી છે. અહીં સ્વસહાય જૂથો, લખપતિ દીદીઓ અને મહિલા ઉદ્ય
રાજકોટ સરસ મેળો


રાજકોટ, 11 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સરસ મેળામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણના વિઝનને સાર્થક કરતી અદભુત સફળતાની ગાથાઓ જોવા મળી રહી છે. અહીં સ્વસહાય જૂથો, લખપતિ દીદીઓ અને મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા અવનવી પ્રોડક્ટ્સનું પ્રદર્શન તથા વેચાણ થઈ રહ્યું છે, જે નારી શક્તિની અદ્ભુત ક્ષમતા અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

મોરબી જિલ્લાના ટંકારા ગામની મહિલાઓ દ્વારા આત્મનિર્ભરતાની એક નવી જ કેડી કંડારવામાં આવી રહી છે. આ મેળામાં ઊનમાંથી વિવિધ આકર્ષક વસ્તુઓ તૈયાર કરતા ગુલાબ સખી મંડળના સુમિતાબેન ચૌધરીએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે. તેમની આ સફર દર્શાવે છે કે કેવી રીતે યોગ્ય દિશા અને પ્લેટફોર્મ મળવાથી ગ્રામીણ મહિલાઓ પોતાના કૌશલ્યના આધારે આર્થિક રીતે પગભર બનીને સમાજમાં એક આગવી ઓળખ ઊભી કરી શકે છે.

સુમિતાબેને પોતાના અનુભવ વિશે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેઓ માત્ર પરિવાર અને સગા-સંબંધીઓ પૂરતી જ હસ્તકળાની ચીજવસ્તુઓ મર્યાદિત રાખતા હતા. પરંતુ જ્યારે તેમણે સચોટ હસ્તકળાની તાલીમ મેળવી અને સખી મંડળ સાથે પોતાની સફર જોડી, ત્યારે તેમના સમગ્ર જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આજે તેઓ આર્થિક રીતે એટલા સક્ષમ બની ચૂક્યા છે કે પોતાના સંતાનોને ઉત્તમ શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ આપી રહ્યા છે.

સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં સમયાંતરે યોજાતા સરસ મેળાઓ ગ્રામીણ અને સામાન્ય પરિવારોમાંથી આવતી અનેક બહેનો માટે ખરેખર વરદાન સાબિત થઈ રહ્યા છે. ઉદ્યોગસાહસિક બનેલી આ લખપતિ દીદીઓની સંઘર્ષ અને સફળતાની ગાથા આજે અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે, જે સ્પષ્ટ સાબિત કરે છે કે જો યોગ્ય અવસર અને દ્રઢ આત્મવિશ્વાસ સાથી હોય, તો નારી શક્તિ કોઈપણ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande