
અમરેલી,, 11 ઓક્ટોબર (હિ.સ.)તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રાજુલા પોલીસ દ્વારા સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારને મોટી રાહત અપાવવામાં આવી છે. પોલીસે સાયબર ઠગાઈના કેસમાં કાર્યવાહી કરીને રૂ. 99,900ની સંપૂર્ણ રકમ પરત અપાવી હતી.
મળતી માહિતી મુજબ, રાજુલા પોલીસની ટીમે સાયબર ફ્રોડના કેસમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ રાજ્યના પદલી જહલી ખાતેથી આરોપીને ઝડપી લાવી હતી. ત્યારબાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સાયબર ફ્રોડમાં ગયેલી રકમ રિકવર કરવામાં આવી હતી.
રાજુલા પોલીસ દ્વારા ખાખબાઈ ગામના અરજદાર દિનેશભાઈ નાનાભાઈ લોડુમરને સાયબર ફ્રોડમાં ગુમાવેલી રૂ. 99,900ની 100 ટકા રકમ પરત અપાવવામાં આવી હતી. પોતાની ગુમાવેલી રકમ પરત મળતાં અરજદારને મોટી રાહત મળી હતી.
પોલીસની આ કામગીરીથી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનો હેતુ સાર્થક થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુનાનો ભોગ બનેલા નાગરિકોને તેમની ગુમાવેલી મિલકત અને રકમ પરત અપાવવાના પ્રયાસો કરવામાં આવે છે.
સાયબર ફ્રોડથી બચવા માટે નાગરિકોએ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ અને કોઈની સાથે બેંકિંગ વિગતો કે ઓટીપી શેર કરવો જોઈએ નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai