
જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં શનિવારે વહેલી સવારે નુરી ચોકડી પાસે કાર, બસ અને થાર વચ્ચે થયેલો અકસ્માત વાસ્તવમાં પૂર્વ આયોજિત અકસ્માત નહિ પરંતુ કાવતરું હોવાનો ખુલાસો થયો છે. ચાની હોટલે કાર સામે જોવા બાબતે થયેલા વિવાદનું મનદુઃખ રાખીને કારને થાર જીપથી ટક્કર મારી એક યુવકની હત્યા કરવામાં આવી હતી, જ્યારે અન્ય ત્રણ ઘવાયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, ગુલાબનગરના હરિદ્વાર પાર્ક-૨માં રહેતા અને ચાની હોટલ ચલાવતા શબીરહુસેન અબ્દુલભાઈ હમીયાણીની હોટલે ગત ૨૯ સપ્ટેમ્બરના રોજ હાજી અયુબ ખફી આવ્યો હતો. તે સમયે શબીરહુસેનના ભાઈ શાહરૂખે હાજી અયુબની કાર સામે જોતાં તેણે નજર કેમ બગાડો છો કહી ગાળાગાળી કરી ધમકી આપી હતી. આ નાની બાબતનું મનદુઃખ રાખીને આ ગંભીર ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
તા. ૧૦ ઓક્ટોબરના રોજ વહેલી સવારે શબીરહુસેન પોતાની આઈ-૨૦ કારમાં કર્મચારીઓ મોહસીન પઠાણ અને અફઝલ ચાવડાને બેસાડી દરબારગઢ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં નુરી ચોકડી નજીકથી એજાઝ સંધીને કારમાં બેસાડ્યો હતો. કાર કલ્યાણ ચોક પહોંચતાં હાજી અયુબ ખફી અને તેનો સાથી ઇમ્તિયાઝ ખફી નજરે પડતાં, શબીરહુસેને કાર ગુલાબનગર તરફ વાળી લીધી હતી.
ત્યારબાદ હાજી અયુબ અને ઇમ્તિયાઝ થાર કારમાં તથા એક અજાણ્યો શખ્સ ટુ-વ્હીલર પર તેમનો પીછો કરવા લાગ્યા હતા. નુરી ચોકડીથી આગળ રાજુભાઈ ઢોસાવાળા સામે રોડ પર થારના ચાલકે પૂરઝડપે આવી આઈ-૨૦ કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે આઈ-૨૦ કાર રસ્તાની બાજુમાં ઊભેલી બસ સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં કારમાં સવાર અફઝલ રહીમભાઈ ચાવડા ફંગોળાઈને નીચે પટકાતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો સામે હત્યા અને ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt