રાજકોટમાં કોમન પ્લોટમાં આંગણવાડી બનાવવા અને વૃક્ષો કાપવા બાબતે બે જૂથ વચ્ચે વિવાદમાં ધાક-ધમકી
રાજકોટ, 12 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રામવન મેઇન રોડ પર સ્થિત રામપાર્ક સોસાયટીમાં કોમન પ્લોટમાં આંગણવાડી બનાવવાના મુદ્દે ગત શનિવારે ભારે બબાલ સર્જાઈ હતી. સોસાયટીના રહીશ કુલદીપ લાખાભાઈ કરમટા દ્વારા આજીડેમ પો
ફરિયાદ


રાજકોટ, 12 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રામવન મેઇન રોડ પર સ્થિત રામપાર્ક સોસાયટીમાં કોમન પ્લોટમાં આંગણવાડી બનાવવાના મુદ્દે ગત શનિવારે ભારે બબાલ સર્જાઈ હતી. સોસાયટીના રહીશ કુલદીપ લાખાભાઈ કરમટા દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં રવિવારે નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આંગણવાડી બનાવવા માટે કોમન પ્લોટમાં રહેલા વૃક્ષો કાપવા કે ન કાપવા તે બાબતે સોસાયટીના સભ્યો અને આરોપીઓ વચ્ચે હિંસક ઝઘડો તથા ધાક-ધમકીનો બનાવ બન્યો છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણેક મહિનાથી સોસાયટીના કોમન પ્લોટમાં આંગણવાડી બનાવવાની વાતો ચાલી રહી હતી. સોસાયટીના મોટાભાગના સભ્યો પ્લોટમાં આવેલા વૃક્ષો કાપ્યા વગર આંગણવાડી બનાવવાની શરતે સહમત થયા હતા. પરંતુ આરોપી કાળુભાઈ હેરભાએ આંગણવાડી વૃક્ષો કાપીને જ બનાવવામાં આવશે તેમ કહીને રકઝક કરી હતી. ત્યારબાદ રામેશ્વર મંદિર ખાતે યોજાયેલી સોસાયટીની બેઠકમાં પણ આરોપી રણજીત ચાવડાએ વૃક્ષો કાપવાનો આગ્રહ રાખી લોકો સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો.

રાત્રિના સમયે રાધાકૃષ્ણ સોસાયટીના બલી જંગવડ, સાગર ઝળુ તથા રામપાર્ક સોસાયટીના ભુપત ચાવડા, સુનીલ ખુંગલા અને અન્ય અજાણ્યા માણસોના ટોળાએ સોસાયટીમાં આવીને લાખાભાઈ ભરવાડના ઘરે જઈ મહિલાઓ સાથે ગાળાગાળી કરી હતી. તેઓએ અગાઉ કરેલી અરજીઓ પાછી ખેંચી લેવા અને નહીંતર મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ ટોળું ફરિયાદીના ઘરે પહોંચ્યું હતું અને 'તમારાથી થાય તે કરી લેજો, આંગણવાડી વૃક્ષો કાપીને જ બનશે' તેમ કહી ધાક-ધમકી આપી ભયનો માહોલ ઊભો કર્યો હતો.

બનાવ બાદ રાત્રિના અગિયારેક વાગ્યાના સુમારે આરોપી તુષાર મહેતાએ સોસાયટીના મુખ્ય રસ્તા પર પોતાની ક્રેટા કાર આડી મૂકી દઈને સોસાયટીના લોકોનો વાહનવ્યવહાર રોકી હેરાનપરેશાન કર્યા હતા. આ સમગ્ર ઘટના બાદ સોસાયટીના લોકોએ એકઠા થઈ આજીડેમ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને તમામ વિગતો સાથે ફરિયાદ નોંધાવી હતી.

આજીડેમ પોલીસે કુલદીપભાઈની ફરિયાદના આધારે કાળુભાઈ હેરભા, રણજીત ચાવડા, બલી જંગવડ, સાગર ઝળુ, ભુપત ચાવડા, સુનીલ ખુંગલા અને તુષાર મહેતા સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસની આગળની કાયદેસરની તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ઇન્દ્રસિંહ જશુભા ઝાલાને સોંપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande