નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૩૧૯ શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકતા
રાજકોટ, 14 ઓક્ટોબર (હિ.સ.) : પાડોશી દેશોમાંથી સ્થળાંતરિત થઈને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વસેલા ૩૦૦થી વધુ શરણાર્થીઓ માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક બની રહેશે. રાજકોટ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી


રાજકોટ, 14 ઓક્ટોબર (હિ.સ.) : પાડોશી દેશોમાંથી સ્થળાંતરિત થઈને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વસેલા ૩૦૦થી વધુ શરણાર્થીઓ માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક બની રહેશે. રાજકોટ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના કુલ ૩૧૯ અરજદારોને વિધિવત રીતે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.

રાજકોટ ખાતે યોજાનારા આ 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત' કાર્યક્રમમાં અલગ-અલગ જિલ્લાના શરણાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાના ૨૫૯ અરજદારોને નાગરિકતા મળશે. આ ઉપરાંત મોરબી જિલ્લાના ૫૩, કચ્છ જિલ્લાના ૦૬ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૦૧ અરજદારને ભારતનું નાગરિકત્વ પ્રદાન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારના નાગરિકતા એનાયત કાર્યક્રમો સતત યોજવામાં આવી રહ્યા છે. આ અગાઉ ૧૮ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ૧૮૮ લોકોને નાગરિકતા અપાઈ હતી. ત્યારબાદ ૨૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૮૧ અરજદારોને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. આ જ કડીમાં હવે વધુ ૩૧૯ લોકોને ભારતનું નાગરિકત્વ મળશે.

કેન્દ્ર સરકારના 'ધ સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ' (CAA) હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા અફઘાનિસ્તાનમાંથી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ કે તે પહેલાં ભારતમાં પ્રવેશેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ કાયદા મુજબ અરજદાર જે દિવસે ભારતમાં પ્રવેશેલા હોય, તે જ દિવસથી તેઓને ભારતીય નાગરિક તરીકેની માન્યતા મળવાપાત્ર થાય છે.

પોતાના મૂળ વતનમાં ધાર્મિક ભેદભાવ અને ત્રાસદાયક પરિસ્થિતિઓનો ભોગ બનેલા આ શરણાર્થી પરિવારો માટે આ કાયદો આશીર્વાદરૂપ સાબિત થયો છે. ભારતીય નાગરિકતા મળતાની સાથે જ આ લોકોને હવે દેશમાં શિક્ષણ, આરોગ્ય, મિલકત ખરીદવાનો અધિકાર, રેશનકાર્ડ, તમામ સરકારી યોજનાઓના લાભો તથા મતાધિકાર પ્રાપ્ત થશે, જેનાથી તેઓ સન્માનજનક અને સુરક્ષિત જીવન જીવી શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande