

પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.)નવરાત્રી પર્વ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં ઉજવાય તે હેતુથી પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના PI એ.પી. જાડેજા દ્વારા નાનીચંદુર ગામમાં ગ્રામજનો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતા અને ભાઈચારો મજબૂત બને તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
PI એ.પી. જાડેજાએ ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓના માન-સન્માન તથા ગરિમા જાળવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગરબીમાં ભાગ લેતી બહેન-દીકરીઓ ગામનો જ હિસ્સો છે, તેથી તેમની સાથે સન્માનપૂર્વક વર્તન કરવું દરેકની જવાબદારી છે. નવરાત્રી દરમિયાન યુવતીઓની તસવીરો કે વીડિયો ઉતારી તેનો ખોટો ઉપયોગ ન થાય અને કોઈની લાગણી કે પ્રતિષ્ઠાને ઠેસ ન પહોંચે તે માટે સૌએ સાવચેતી રાખવી જરૂરી છે.
આ ઉપરાંત, PI જાડેજાએ ગરબીના આયોજકો, યુવાનો અને ગ્રામજનોને સુરક્ષાના નિયમોનું પાલન કરવા તથા ગામમાં શાંતિપૂર્ણ માહોલ જાળવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી માતાજીની આરાધનાનું પવિત્ર પર્વ છે, તેથી આ ઉત્સવ દરમિયાન કોઈ પણ પ્રકારની અશાંતિ કે અયોગ્ય વર્તનને અવકાશ ન મળવો જોઈએ. પર્વની ઉજવણી સુખદ, સલામત અને ભાઈચારાભર્યા વાતાવરણમાં થાય તે માટે સૌ નાગરિકો સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ