
સુરત, 14 ઓક્ટોબર (હિ.સ.): સુરત સ્મીમેર હોસ્પિટલની સ્થાપનાના 25 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે “સ્તન, ગર્ભાશયના મુખના તથા મોઢાના કેન્સરનું નિદાન અને જાગૃતિ કાર્યક્રમ” યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ કેન્સર માટે જાગૃતતા વધારી લોકોને સમયસર અને સચોટ નિદાન અંગે માહિતગાર કરવાનો હતો.
આ કાર્યક્રમ હેઠળ હોસ્પિટલના વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબોએ સ્તન, ગર્ભાશય અને મોઢાના કેન્સર અંગે લોકોની પ્રાથમિક તપાસ કરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં 98 મહિલાઓને સ્તન કેન્સર, 113 મહિલાઓને ગર્ભાશયના મુખના કેન્સર તેમજ 71 લોકોને મોઢાના કેન્સરના પ્રારંભિક લક્ષણો, નિદાન અને સારવાર સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત હોસ્પિટલનાં બાળરોગ વિભાગ દ્વારા માતાનુ ધાવણ મળી શકે તેમ ન હોય એવા નવજાત શિશુઓ માટે “મિલ્ક ડોનેશન” અંગે જાગૃતતા લાવવા ધાત્રી માતાઓને પોતાના ધાવણનું દાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જેમાં 41 માતાઓએ ભાગ ઉત્સાહભેર ભાગ લઇ 980 મિલી ધાવણનું દાન કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, સુરત સ્મીમેર હોસ્પિટલની સ્થાપનાના 25 વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે તા.17 સુધી વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાશે. જેનો લાભ મોટા પ્રમાણમાં નાગરિકોને આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે