
રાજકોટ, 14 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટથી ગઢડા જઈ રહેલી પ્રાથમિક શાળાના શિક્ષિકાની કારને આટકોટ નજીક બળધોઇના પાટીયા પાસે અકસ્માત નડ્યો હતો. ખેતરમાંથી અચાનક આવી ચડેલા ટુ-વ્હીલરને બચાવવા જતાં કાર પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર શિક્ષિકાના 57 વર્ષીય માતાનું ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેમના એક વર્ષના દોહિત્રને ઇજાઓ પહોંચી છે અને તેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના રૈયા રોડ પર રૈયા ચોકડી અમૃતા હોસ્પિટલ પાછળ આવેલ યોગીનગર-૫, 'રૂદ્રાક્ષ' નામના મકાનમાં રહેતાં ભાર્ગવીબેન સુધીરભાઈ જોષી (57) ગઇકાલે પોતાની પુત્રી શ્વેતાબેન અંબરીશભાઇ દવે સાથે કારમાં ગઢડા જવા નીકળ્યા હતા. શ્વેતાબેન ગઢડાની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. કારમાં શિક્ષિકા શ્વેતાબેન પોતે ડ્રાઇવિંગ કરી રહ્યા હતા અને તેમની સાથે માતા ભાર્ગવીબેન તથા તેમનો એક વર્ષનો પુત્ર મૈત્રીય પણ સવાર હતા.
આ મુસાફરી દરમિયાન કાર આટકોટ નજીક આવેલ બળધોઇના પાટીયા પાસે પહોંચી ત્યારે એકાએક ખેતરમાંથી એક ટુ-વ્હીલર રોડ પર આવી ગયું હતું. આ વાહનચાલકને બચાવવાના પ્રયાસમાં શ્વેતાબેને કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર રસ્તા પરથી નીચે ઉતરીને પલ્ટી મારી ગઈ હતી. અકસ્માત સર્જાયો હોવાની જાણ થતાં ઘટનાસ્થળે આસપાસથી લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
આ બનાવમાં કાર ડ્રાઇવ કરી રહેલા શિક્ષિકા શ્વેતાબેનનો બચાવ થયો હતો, પરંતુ કારમાં બેઠેલા તેમના માસૂમ પુત્ર મૈત્રીય અને માતા ભાર્ગવીબેનને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર રીતે ઘવાયેલા ૫૭ વર્ષીય ભાર્ગવીબેન જોષીએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
બનાવ અંગેની જાણ થતાં જ આટકોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને રાજકોટ ખાતે પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડીને આગળની તપાસ શરૂ કરી છે. મૃતક ભાર્ગવીબેનના પતિ સુધીરભાઇ જોષી રાજકોટની જાણીતી કોટક કોલેજના નિવૃત્ત પ્રોફેસર છે. શિક્ષિકા પુત્રી નોકરી અર્થે ગઢડા રહેતી હોવાથી ભાર્ગવીબેન પોતાના એક વર્ષના માસૂમ દોહિત્રની સંભાળ રાખવા માટે અવારનવાર પુત્રી સાથે ગઢડા જ રહેતા હતા.
રાજકોટથી ગઢડા જતી વખતે જ સર્જાયેલા આ કાળમુખા અકસ્માતે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. માસૂમ દોહિત્રની સેવા-ચાકરી કરવા જતાં જ નાનીનું અકસ્માતમાં કરૂણ મોત નીપજતાં જોષી અને દવે પરિવારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. આટકોટ પોલીસે ઘટના અંગે અકસ્માતે મોતના ગુના હેઠળ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt