
અમરેલી,14 ઓક્ટોબર (હિ.સ.)
અમરેલી જિલ્લાના લાઠી ગામને વીર હમીરસિંહજીની ધરતી તરીકે ઓળખવામાં આવે છે. આ ઐતિહાસિક ધરતી પર નવરાત્રિ પર્વ દરમિયાન ધાર્મિક આસ્થા સાથે સેવાકાર્યની અનોખી પરંપરા પણ જળવાઈ રહી છે. લાઠી ગામનું મહાકાળી નાટક મંડળ છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિના નવ દિવસ સુધી નાટકો ભજવીને પંખીઓના ચણ માટે સેવા કાર્ય કરી રહ્યું છે.
નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના અને ગરબાની રમઝટ વચ્ચે મહાકાળી નાટક મંડળ દ્વારા નાટ્યપ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવે છે. આ નાટકો માત્ર મનોરંજન પૂરતાં સીમિત નથી, પરંતુ પંખીઓને ચણ મળી રહે તેવા સેવાભાવી હેતુ સાથે યોજવામાં આવે છે.
મંડળના સભ્યોની મહેનત, કલાપ્રેમ અને જીવદયા પ્રત્યેની ભાવના આ પરંપરાને વિશેષ બનાવે છે. નવ દિવસ સુધી નાટકો ભજવીને મળતા સહયોગનો ઉપયોગ પંખીઓના ચણ માટે કરવામાં આવે છે. આ રીતે કલા સાથે જીવદયાનો સંદેશ પણ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.
આજના સમયમાં જ્યાં અનેક પરંપરાઓ લુપ્ત થઈ રહી છે, ત્યાં લાઠીનું મહાકાળી નાટક મંડળ વર્ષોથી આ સેવાકીય પરંપરાને જીવંત રાખી રહ્યું છે. લાઠીની આ અનોખી પહેલ સમાજને જીવદયા, સેવા અને સંસ્કૃતિ જાળવવાનો પ્રેરણાદાયી સંદેશ આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai