જામનગરમાં સોફ્ટવેરની ખામી અને નવી SOPથી આધારકાર્ડની કામગીરી ઠપ્પ, અરજદારો પરેશાન
જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૬ દિવસથી આધારકાર્ડ માટેના નવા સોફ્ટવેરમાં સર્જાયેલી ભારે ટેકનિકલ સમસ્યાઓ અને નવી SOP અંગે માહિતીના અભાવે આધારકાર્ડ સંબંધિત તમામ મહત્ત્વની કામગીરી અટકી પડી છે. આ પરિસ્થિતિના કારણે નવા આધ
આધારકાર્ડ કામગીરી ઠપ્પ


જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૬ દિવસથી આધારકાર્ડ માટેના નવા સોફ્ટવેરમાં સર્જાયેલી ભારે ટેકનિકલ સમસ્યાઓ અને નવી SOP અંગે માહિતીના અભાવે આધારકાર્ડ સંબંધિત તમામ મહત્ત્વની કામગીરી અટકી પડી છે. આ પરિસ્થિતિના કારણે નવા આધારકાર્ડ કઢાવવા તથા જૂના કાર્ડમાં સુધારા-વધારા કરાવવા આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગત તા. ૧૮ સપ્ટેમ્બરથી આધારકાર્ડ માટેના ઓનલાઇન સોફ્ટવેર 'યુનિવર્સલ ક્લાયન્ટ' (UT)માં બેંગ્લોર ખાતેથી ફેરફાર કરવામાં આવ્યા છે. સોફ્ટવેરમાં આ બદલાવ બાદ હાલ માત્ર ફોટો અને મોબાઇલ નંબર જ અપડેટ થઈ શકે છે. જ્યારે નામ, સરનામું, અને જન્મ તારીખ જેવાં અત્યંત જરૂરી સુધારાની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે અરજદારો કચેરીઓના ચક્કર કાપવા મજબૂર બન્યા છે.

બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા સોફ્ટવેર બદલાયા બાદ નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)નો અમલ તો શરૂ કરી દેવાયો છે, પરંતુ તેની પૂરતી જાણકારી કે માર્ગદર્શક બોર્ડ મુકવામાં આવ્યા નથી. લોકો અને ઓપરેટરો વચ્ચે યોગ્ય માહિતીના અભાવે અવારનવાર ઘર્ષણ અને બોલાચાલીના બનાવો બની રહ્યા છે. તંત્રની આ લાપરવાહીથી અરજદારોના સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે.

છેલ્લા ૨૬ દિવસથી સર્જાયેલી આ ગંભીર સમસ્યા અંગે સત્તાવાળાઓ માત્ર ટૂંક સમયમાં ઉકેલ આવી જશે તેવા આશ્વાસનો આપી રહ્યા છે. સ્પષ્ટ માહિતી અને યોગ્ય વ્યવસ્થાના અભાવે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે અને વહેલી તકે સોફ્ટવેરની ખામી દૂર કરી કામગીરી પૂર્વવત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande