‘ભુલકાંઓનું ભોજન’ વધુ પૌષ્ટિક બનાવવા મહત્વનું પગલું : આંગણવાડીમાં હૉટ કુકડ મીલની ખરીદીનો દર 67% વધારી રૂ. 8.50 કરાયો
ગાંધીનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યની આંગણવાડીઓમાં નાના ભૂલકાંઓને મળતા ગરમ અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ સંકલિત બાળ વિકાસ યોજના (આઈસ
આંગણવાડી


આંગણવાડી


ગાંધીનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યની આંગણવાડીઓમાં નાના ભૂલકાંઓને મળતા ગરમ અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ સંકલિત બાળ વિકાસ યોજના (આઈસીડીએસ)ની પૂરક પોષણ યોજના હેઠળ હૉટ કુક્ડ મીલ (HCM) માટે આંગણવાડી કાર્યકરોને સ્થાનિક ખરીદી માટે મળતા નાણાકીય દરમાં 67 ટકા જેટલો મોટો વધારો કરવામાં આવ્યો છે. આ દર અત્યાર સુધી પ્રતિ લાભાર્થી પ્રતિદિન રૂ. 5.10નો હતો કે જે હવે વધારીને રૂ. 8.50 કરવામાં આવ્યો છે. એટલે કે સ્થાનિક ખરીદીના દરમાં પ્રતિ બાળક પ્રતિદિન રૂ. 3.40નો વધારો થયો છે. આ નિર્ણયથી રાજ્યની 53,065 આંગણવાડીઓમાં ભણતા 3થી 6 વર્ષના લગભગ 16.17 લાખથી વધુ બાળકોને વધુ પૌષ્ટિક આહાર મળશે.

મહત્વની બાબત એ છે કે આ વધારાનો બોજ માત્ર કેન્દ્રના ફાળાથી નહીં, પણ રાજ્ય સરકાર પોતાના હિસ્સામાંથી ઉઠાવશે. અગાઉના રૂ. 5.10નો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે 50:50ના ધોરણે રહેશે, જ્યારે વધારાના રૂ. 3.40નો 100 ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે કે જે વાર્ષિક રૂ. 80 કરોડ જેટલું થશે. આમ; બાળકોના હૉટ કુકડ મીલ માટે પ્રતિ લાભાર્થી પ્રતિદિન રૂ. 8.50નું નવું નાણાકીય માળખું અમલમાં આવ્યું છે.

માત્ર દરમાં વધારો નહીં, મેનુમાં પણ પોષણનો ‘પાવર પૅક’

મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વમાં લેવાયેલો નિર્ણય માત્ર ભોજન માટેના નાણાકીય દર પૂરતો સીમિત નથી. હૉટ કુકડ મીલના સાપ્તાહિક મેનુમાં મગ કઠોળનો સમાવેશ કરવાનો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. 3થી 6 વર્ષના બાળકો માટે સવારે 11 વાગ્યે ગરમ નાસ્તો અને બપોરે 1:30 વાગ્યે ગરમ ભોજન આપવાનું મેનુમાં દર્શાવવામાં આવ્યું છે.

સાપ્તાહિક મેનુમાં બાફેલા અથવા ફણગાવેલા મગ, તુવેરદાળનું લચકો, વેજિટેબલ પુલાવ, લીલા શાકભાજીના મુઠિયા, મસાલા ચણા, મગ-ભાત, શાકભાજી, ફળ, શીરો, સુખડી, દુધીના ઢેબરા, ગોળ પુડલા, ભાખરી, મુઠિયા, ઢોકળા અથવા ઇડલી જેવી વિવિધ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી બાળકોને અઠવાડિયાના અલગ-અલગ દિવસોમાં અલગ પ્રકારનું ગરમ ભોજન મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

દાળ, ચણા, મગથી લઈને ફળ અને લીલા શાક સુધીનું આયોજન

મહિલા અને બાળ વિકાસ વિભાગે આ અંગે કરેલા ઠરાવમાં સ્થાનિક ખરીદી હેઠળ કઈ સામગ્રી કેટલી માત્રામાં લેવાની રહેશે તેનું પણ વિગતવાર આયોજન કરવામાં આવ્યું છે. તેમાં તુવેર દાળ, આખા ચણા, આખા મગ, ગોળ, મોસમી લીલા શાકભાજી, કેળાં જેવા ફળો, સીંગદાણા અથવા તલ, મસાલા તથા સ્થાનિક પરિવહન ખર્ચનો સમાવેશ થાય છે. ઠરાવ મુજબ પ્રતિ લાભાર્થી પ્રતિદિન રૂ.8.50ના કુલ દરમાં તુવેર દાળ માટે રૂ.1.24, આખા ચણા માટે રૂ.0.85, આખા મગ માટે રૂ.1.30, ગોળ માટે રૂ.0.525, મોસમી લીલા શાકભાજી માટે રૂ.0.83, ફળો માટે રૂ.2, સીંગદાણા/તલ માટે રૂ.0.65, મસાલા માટે રૂ.0.60 અને સ્થાનિક પરિવહન માટે રૂ.0.50ની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણયનું એક મહત્વનુ પાસું એ છે કે હૉટ કુકડ મીલ માટે જરૂરી સામગ્રીની સ્થાનિક ખરીદી સાથે સંકળાયેલી વ્યવસ્થાને હવે વધુ નાણાકીય આધાર મળશે.

વધારાનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે

નવા નાણાકીય માળખામાં સૌથી નોંધપાત્ર બાબત રાજ્ય સરકારનો વધારાનો હિસ્સો છે. પ્રતિ લાભાર્થી પ્રતિદિન રૂ. 5.10નો અગાઉનો ખર્ચ કેન્દ્ર અને રાજ્યના 50:50 ધોરણે રહેશે, જ્યારે પ્રતિદિન રૂ. 3.40નો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર 100 ટકા ઉઠાવશે. આ રીતે પ્રતિ લાભાર્થી પ્રતિદિન કુલ રૂ. 8.50ની જોગવાઈ કરવામાં આવી છે.

આમ; ગુજરાત સરકારનો આ નિર્ણય આંગણવાડીના હૉટ કુકડ મીલ માટે વધુ નાણાકીય જોગવાઈ સાથે પોષણસભર અને વૈવિધ્યસભર મેનુને જોડતો છે. એક તરફ સ્થાનિક ખરીદીનો દર વધ્યો છે, તો બીજી તરફ મગ, ચણા, દાળ, લીલા શાકભાજી અને ફળો જેવી સામગ્રીને નિર્ધારિત મેનુમાં સ્થાન આપીને બાળકોને મળતા ગરમ ભોજનની વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande