
ભાવનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર શહેરમાં મારામારીના ગુનામાં પકડવાનો બાકી આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એલસીબીની ટીમે બાતમીના આધારે ગધેડિયા ગ્રાઉન્ડ ખાતેથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં પકડવાનો બાકી આરોપી ચિરાગ ઉર્ફે ભાણો લક્ષ્મણભાઈ રાઠોડ ગધેડિયા ગ્રાઉન્ડ ખાતે હાજર છે. બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરતાં આરોપી મળી આવ્યો હતો. ચિરાગ વ્યવસાયે ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરે છે. આરોપી મૂળ યોગીનગર, એરપોર્ટ રોડ, ભાવનગરનો રહેવાસી છે અને હાલ પાલીતાણાના જૂના ભીલવાસ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી વિરુદ્ધ ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 1511/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(2), 118(1), 117(2), 115(2), 351(3), 352 અને 54 સહિતની જોગવાઈઓ મુજબ ગુનો નોંધાયેલો છે.
એલસીબીની ટીમે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA