



પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના ધારપુર સ્થિત GMERS મેડિકલ કોલેજ અને મહેસાણા જિલ્લાના વડનગર ખાતે અદ્યતન MRI સેન્ટર કાર્યરત કરવામાં આવ્યાં છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ 14 ઓક્ટોબર 2026ના રોજ ઈ-લોકાર્પણ કરીને આ સુવિધાઓનો પ્રારંભ કરાવ્યો હતો. આ કેન્દ્રો શરૂ થવાથી ઉત્તર ગુજરાતના દર્દીઓને હવે સ્થાનિક સ્તરે જ ગુણવત્તાયુક્ત નિદાન સુવિધા મળી રહેશે અને MRI તપાસ માટે અમદાવાદ સુધી જવાની જરૂરિયાત ઘટશે.
રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે રાજ્યની 14 મેડિકલ કોલેજોમાં કુલ ₹178.54 કરોડના ખર્ચે MRI સેન્ટરો સ્થાપવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલોમાં આ સુવિધા ઉપલબ્ધ થવાથી દર્દીઓને ખાનગી કેન્દ્રોમાં MRI તપાસ માટે ચૂકવવા પડતા અંદાજે ₹3,000થી ₹10,000ના ખર્ચની સરખામણીએ સરકારી દરે રાહત મળવાની આશા છે.
ધારપુર હોસ્પિટલમાં 1.5 ટેસ્લા ક્ષમતાનું આધુનિક વાઇડ-બોર MRI મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. આ મશીન દ્વારા મગજ, બ્રેઇન સ્ટ્રોક, કરોડરજ્જુ, કમર અને હાડકાં સંબંધિત વિવિધ તકલીફોનું સચોટ નિદાન કરવામાં મદદ મળશે. વાઇડ-બોર ડિઝાઇનને કારણે તપાસ દરમિયાન દર્દીઓને વધુ જગ્યા મળશે, જેનાથી સાંકડી મશીનમાં થતી અસ્વસ્થતા પણ ઘટી શકે છે.
ધારપુર ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુ પટેલ, સંગઠનના હોદ્દેદાર રમેશ સિંધવ, મેડિકલ કોલેજના સિનિયર તબીબો તથા હોસ્પિટલના કર્મચારીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી સુવિધાથી પાટણ, મહેસાણા અને આસપાસના વિસ્તારોના દર્દીઓને સમયસર તપાસ, મુસાફરીના ખર્ચમાં બચત અને સરકારી આરોગ્ય સેવાઓનો વધુ લાભ મળી શકશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ