
- ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો હોટલને આદેશ.
અમદાવાદ, 14 ઓક્ટોબર (હિ.સ.) : હોટલ અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકની મરજી વિના બિલમાં આપમેળે સર્વિસ ચાર્જ ઉમેરવાના મામલે અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અમદાવાદની હયાત અમદાવાદ હોટલ દ્વારા કોફીના બિલમાં સર્વિસ ચાર્જ વસૂલવામાં આવતાં ગ્રાહક દ્વારા કરવામાં આવેલી ફરિયાદને કમિશને આંશિક રીતે મંજૂર કરી છે. કમિશને હોટલને ગ્રાહક પાસેથી વસૂલવામાં આવેલા સર્વિસ ચાર્જના રૂ.34.50 અને તેના પર વસૂલવામાં આવેલા રૂ.6.22 GST સહિત કુલ રૂ.40.72ની રકમ 9 ટકા વ્યાજ સાથે પરત ચૂકવવા આદેશ કર્યો છે. આ ઉપરાંત માનસિક ત્રાસ બદલ રૂ.2,000 અને ફરિયાદના ખર્ચ પેટે રૂ.2,000 ચૂકવવા પણ આદેશ કર્યો છે.
ફરિયાદી રોહિત જયંતિલાલ પટેલ 11 સપ્ટેમ્બર, 2025ના રોજ અમદાવાદની હયાત અમદાવાદ હોટલમાં ગયા હતા. ત્યાં તેમણે બે કોફીનો ઓર્ડર આપ્યો હતો. હોટલ દ્વારા એક કોફીના રૂ.345 લેખે બે કોફીના કુલ રૂ.690 વસૂલવામાં આવ્યા હતા. આ ઉપરાંત 9 ટકા CGST અને 9 ટકા SGST પેટે રૂ.124.20 વસૂલવામાં આવ્યા હતા.
જોકે, આ બિલમાં 5 ટકા લેખે રૂ.34.50 સર્વિસ ચાર્જ ઉમેરવામાં આવ્યો હતો. આ સર્વિસ ચાર્જ પર પણ અલગથી CGST અને SGST પેટે કુલ રૂ.6.22 વસૂલવામાં આવ્યા હતા. આમ, રૂ.690ની કોફી માટે અન્ય ચાર્જ સહિત કુલ રૂ.854.92નું બિલ આપવામાં આવ્યું હતું.
ફરિયાદીએ દલીલ કરી હતી કે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ની માર્ગદર્શિકા અનુસાર હોટલ કે રેસ્ટોરન્ટ ગ્રાહકના બિલમાં આપમેળે કે ફરજિયાત રીતે સર્વિસ ચાર્જ ઉમેરી શકતી નથી. સર્વિસ ચાર્જ સંપૂર્ણપણે ગ્રાહકની સ્વૈચ્છિક ઇચ્છા પર આધારિત હોવો જોઈએ.
ફરિયાદમાં સર્વિસ ચાર્જ અને તેના પર વસૂલવામાં આવેલા GSTની રકમ પરત અપાવવા ઉપરાંત માનસિક ત્રાસ બદલ વળતર, ફરિયાદનો ખર્ચ તથા ગ્રાહક કલ્યાણ ફંડમાં રૂ.1 લાખ જમા કરાવવાનો આદેશ કરવાની પણ માગણી કરવામાં આવી હતી.
હોટલને નોટિસ બજાવવામાં આવી હોવા છતાં તેના તરફથી કમિશન સમક્ષ કોઈ હાજર રહ્યું નહોતું કે લેખિત જવાબ પણ રજૂ કરવામાં આવ્યો નહોતો. પરિણામે 2 જાન્યુઆરી, 2026ના આદેશથી કમિશને હોટલ સામે એકતરફી કાર્યવાહી હાથ ધરી હતી.
કમિશને CCPA દ્વારા 4 જુલાઈ, 2022ના રોજ જાહેર કરવામાં આવેલી સર્વિસ ચાર્જ સંબંધિત માર્ગદર્શિકા અને દિલ્હી હાઈકોર્ટના 28 માર્ચ, 2025ના ચુકાદાને ધ્યાનમાં લીધા હતા.
માર્ગદર્શિકા અનુસાર હોટલ કે રેસ્ટોરન્ટ ગ્રાહકના બિલમાં આપમેળે સર્વિસ ચાર્જ ઉમેરી શકતી નથી. ગ્રાહકને સર્વિસ ચાર્જ ચૂકવવા માટે દબાણ પણ કરી શકાતું નથી. ગ્રાહક પોતાની ઇચ્છાથી ટિપ કે સર્વિસ ચાર્જ ચૂકવવા માગે તો તે સ્વૈચ્છિક હોવો જોઈએ.
કમિશને નોંધ્યું કે હોટલના બિલમાં સર્વિસ ચાર્જનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ ગ્રાહકે સ્વૈચ્છિક રીતે આ રકમ ચૂકવી હતી તે સાબિત કરતો કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો. આથી બિલમાં સર્વિસ ચાર્જ આપમેળે ઉમેરવાની કાર્યવાહી અયોગ્ય વેપાર પ્રથા ગણાય છે.
ફરિયાદીએ હોટલને ગ્રાહક કલ્યાણ ફંડમાં રૂ.1 લાખ જમા કરાવવાનો આદેશ કરવાની પણ માગણી કરી હતી. જોકે, કમિશને નોંધ્યું કે મોટી સંખ્યામાં કેટલા ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલવામાં આવ્યો, કેટલા ગ્રાહકોને નુકસાન થયું અને કુલ કેટલી રકમ વસૂલવામાં આવી તે અંગે ચોક્કસ અને વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા.
અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને 14 ઓક્ટોબર, 2026ના રોજ આપેલા ચુકાદામાં ફરિયાદ આંશિક રીતે મંજૂર કરી હતી. આદેશ અનુસાર હોટલે ફરિયાદીને સર્વિસ ચાર્જના રૂ.34.50 અને તેના પર વસૂલવામાં આવેલા GSTના રૂ.6.22, એટલે કે કુલ રૂ.40.72ની રકમ 11 સપ્ટેમ્બર, 2025થી 9 ટકા વાર્ષિક વ્યાજ સાથે ચુકાદાની નકલ મળ્યાના 30 દિવસમાં પરત ચૂકવવાની રહેશે.
આ ઉપરાંત માનસિક ત્રાસ બદલ રૂ.2,000 અને ફરિયાદના ખર્ચ પેટે રૂ.2,000 પણ 30 દિવસમાં ચૂકવવાના રહેશે. GSTના રિફંડ અંગેની કાર્યવાહી સંબંધિત GST કાયદાની જોગવાઈઓને આધીન રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ