
પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.)પાટણના બાવાહાજી માર્ગ પર આવેલી નદીના પટમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ગેરકાયદે માટી ખનન થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. રોયલ્ટી ભર્યા વિના અને જરૂરી પરવાનગી મેળવ્યા વગર લાખો ટન માટીનું ખનન કરીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ પ્રવૃત્તિને કારણે સરકારી તિજોરીને મોટું આર્થિક નુકસાન થતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નદીના પટમાંથી માટી ખોદવા માટે જેસીબી અને હિટાચી જેવાં મોટાં મશીનોનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. ખોદવામાં આવેલી માટી મોટા ડમ્પરો અને ટ્રેક્ટરો મારફતે અન્ય સ્થળોએ લઈ જઈને વેચવામાં આવતી હોવાનો આક્ષેપ છે. આ મામલે ચર્ચા વધતાં પોલીસની ગાડી ઘટનાસ્થળે નદી વિસ્તારમાં પહોંચી હતી. બીજી તરફ, ખાણ ખનીજ વિભાગના અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં કોઈ ચોક્કસ લેખિત ફરિયાદ મળી ન હોવાનું જણાવ્યું હતું, સાથે જ નદી વિસ્તારમાં માટીનું ખોદકામ ચાલતું હોવાનો સ્વીકાર કર્યો હતો.
સરકારી મિલકત સમાન નદીના પટમાં કથિત ગેરકાયદે ખનનને લઈને સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારી આવકને થતું સંભવિત નુકસાન અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે, ખનનની કાયદેસરતા ચકાસવામાં આવે અને જો ગેરકાયદે પ્રવૃત્તિ સાબિત થાય તો જવાબદાર તત્ત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ