



પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર, હરિયાળું અને સ્વસ્થ બનાવવા તેમજ
નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા
છે. આ અભિયાન અંતર્ગત શહેરની અંદાજે 46 શાળાઓના 20 હજારથી વધુ બાળકોને સ્વચ્છતા અંગેના
સંકલ્પ પત્રો આપવામાં આવ્યા હતા. આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યેની
જવાબદારી, પર્યાવરણ
સંરક્ષણ અને જાહેર સંપત્તિની જાળવણી અંગે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
છે.
સ્વચ્છતા સંકલ્પ પત્રમાં ‘મારો સંકલ્પ’ અંતર્ગત વિદ્યાર્થીઓને કચરો ગમે ત્યાં
ન ફેંકવો, સૂકા
અને ભીના કચરાને અલગ કરીને આપવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, ખુલ્લામાં પેશાબ ન કરવો અને નજીકના
જાહેર શૌચાલયનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂંકવું નહીં તેમજ જાહેર સ્થળોએ ગંદકી ન કરવી જેવા સંકલ્પો
લેવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સ્વચ્છતા જાળવવા માટે અન્ય લોકોને પ્રેરિત કરવા, વૃક્ષારોપણ કરીને વૃક્ષોનું જતન કરવા
તેમજ જાહેર સંપત્તિ અને ઐતિહાસિક વારસાનું સંરક્ષણ કરવા માટે પણ બાળકોને
પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ સ્વચ્છતાના સંદેશવાહક બની પોતાના
પરિવારજનો, મિત્રો
અને આસપાસના નાગરિકોમાં જાગૃતિ ફેલાવે તેવો આ અભિયાનનો મુખ્ય હેતુ છે. સ્વચ્છતા એ
માત્ર મહાનગરપાલિકા કે સફાઈ કર્મચારીઓની જવાબદારી નથી, પરંતુ શહેરના દરેક નાગરિકની સહિયારી
ફરજ છે. નાની ઉંમરથી જ બાળકોમાં સ્વચ્છતાની સારી ટેવો વિકસે તો તેની સકારાત્મક અસર
સમગ્ર સમાજ પર જોવા મળે છે. આ હેતુથી વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે સંકલ્પબદ્ધ
કરીને કચરાનો યોગ્ય નિકાલ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, જાહેર સ્થળોની સ્વચ્છતા અને હરિયાળું
પર્યાવરણ જાળવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના શહેરને
સ્વચ્છ, હરિયાળું
અને ગૌરવપૂર્ણ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવાનો તેમજ પોતાના શહેરને સ્વચ્છતામાં
અગ્રેસર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ‘20 વર્ષ શહેરી વિકાસના’ અંતર્ગત સંકલ્પ
સાથે પોરબંદર મહાનગરપાલિકા શહેરી વિકાસની સાથે નાગરિકોમાં સ્વચ્છતા અને પર્યાવરણ
પ્રત્યેની જવાબદારી વિકસે તે દિશામાં પ્રયત્નશીલ છે.
‘સ્વચ્છ પોરબંદર – સુંદર
પોરબંદર’ના ધ્યેય સાથે શાળા - કોલેજોના વિદ્યાર્થીઓ અને નાગરિકોના સહયોગથી શહેરને
સ્વચ્છ, હરિયાળું
અને સુંદર બનાવવા માટે જનજાગૃતિના પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya