
સુરત, 14 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રિ પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવા તેમજ તેમને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાના હેતુથી ઉમરા, સુરતની 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા પાંડેસરા સ્થિત નેમ નગર અને કુંભારીયા ગામ ખાતે મહિલા સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને યુવતીઓને પોતાની સુરક્ષા પ્રત્યે જાગૃત કરવા, તેમના અધિકારો વિશે માહિતી આપવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં યોગ્ય સહાય કેવી રીતે મેળવવી તે અંગે માર્ગદર્શન આપવાનો હતો.
આ અવસરે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા મહિલાઓ અને યુવતીઓને છેડતી, હેરાનગતિ, અભદ્ર વર્તન તથા અન્ય મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની સુરક્ષા માટે જરૂરી સાવચેતી રાખવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવરાત્રિ દરમિયાન ગરબા સ્થળો, જાહેર સ્થળો અને અવરજવર કરતી વખતે સતર્ક રહેવા, અજાણી વ્યક્તિઓથી સાવચેત રહેવા તથા કોઈપણ અયોગ્ય વર્તનનો સામનો કરવો પડે ત્યારે ગભરાયા વિના યોગ્ય પગલાં લેવા અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ જરૂરિયાતના સમયે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરીને મદદ મેળવી શકાય છે તેમજ તાત્કાલિક કટોકટીની પરિસ્થિતિમાં 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરી શકાય છે તે અંગે માહિતી આપવામાં આવી હતી.
આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા મહિલાઓ અને યુવતીઓને આત્મવિશ્વાસ સાથે પોતાની સુરક્ષા જાળવવા, પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવા અને જરૂર પડ્યે નિઃસંકોચ મદદ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આવા કાર્યક્રમો સમાજમાં મહિલા સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં અને મહિલાઓ માટે સુરક્ષિત, સન્માનજનક તથા ભયમુક્ત વાતાવરણ ઊભું કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 181 અભયમ મહિલા હેલ્પલાઇન, ઉમરા, સુરત મહિલાઓની સુરક્ષા, સન્માન અને સહાય માટે હંમેશાં પ્રતિબદ્ધ છે અને મહિલાઓના કલ્યાણ માટે સતત જાગૃતિના પ્રયાસો કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે