રાજકોટમાં તાંત્રિક વિધિના નામે, ચાર ગણા રૂપિયા કરવાની લાલચ આપી વેપારી સાથે રૂ.૧૧.૧૧ લાખની ઠગાઈ
રાજકોટ, 14 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતા અને એડવર્ટાઈઝમેન્ટનો વ્યવસાય કરતા ૩૬ વર્ષીય વેપારી નીતેશભાઈ ચંદ્રકાંતભાઈ કામદાર સાથે અંધશ્રદ્ધા અને ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ન્યુઝ પેપરમાં કામ કરતા મિત્ર રાહુલ અનંતરા
ફરિયાદ


રાજકોટ, 14 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતા અને એડવર્ટાઈઝમેન્ટનો વ્યવસાય કરતા ૩૬ વર્ષીય વેપારી નીતેશભાઈ ચંદ્રકાંતભાઈ કામદાર સાથે અંધશ્રદ્ધા અને ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ન્યુઝ પેપરમાં કામ કરતા મિત્ર રાહુલ અનંતરાય રૂપાણી અને સુરેન્દ્રનગરના વેજલકા ગામના ભુવા રમેશભાઈ ઈશ્વરભાઈ મકવાણાએ ભેગા મળીને રૂપિયા ચાર ગણા કરી આપવાની અને પૈસાનો વરસાદ કરવાની લાલચ આપી વેપારી પાસેથી કટકે-કટકે કુલ રૂ.૧૧,૧૧,૦૦૦/- પડાવી લીધા હતા. આ માલે ભોગ બનનાર વેપારીએ રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪) અને ૩(૫) હેઠળ ગુનો નોંધાવ્યો છે, જેની વધુ તપાસ પીએસઆઈ એસ.આર. ચાવડા ચલાવી રહ્યા છે.

આ સમગ્ર પ્રકરણની શરૂઆત આશરે આઠ મહિના પહેલા થઈ હતી, જ્યારે નીતેશભાઈએ આર્થિક જરૂરિયાત હોવાની વાત તેમના મિત્ર રાહુલ રૂપાણી સમક્ષ કરી હતી. રાહુલે તેમને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના વેજલકા ગામના ભુવા રમેશભાઈ મકવાણા પાસે લઈ જવાની વાત કરી હતી. એપ્રિલ ૨૦૨૬માં રાહુલ નીતેશભાઈને ભુવાના ઘરે લઈ ગયો હતો, જ્યાં ભુવાએ અંધારામાં એક ચાદર હથેળી પર ઓઢાવી આંખો બંધ કરાવીને ચાદરમાંથી પાંચસો રૂપિયાની નોટો વાસણમાં પાડીને ચમત્કારનો ખોટો ડેમો બતાવ્યો હતો. આ ડેમોથી પ્રભાવિત થઈને વેપારી ભુવાની જાળમાં ફસાઈ ગયા હતા અને આરોપીઓએ તેમને આશ્વાસન આપ્યું હતું કે આવી જ વિધિ કરીને ટૂંક સમયમાં ચાર ગણા રૂપિયા કરી આપવામાં આવશે.

ભુવા અને રાહુલના વચનોમાં વિશ્વાસ મૂકીને વેપારીએ પ્રથમ તબક્કે રાહુલ મારફતે અઢી લાખ રૂપિયા રોકડા ભુવાને આપ્યા હતા. ત્યારબાદ ભુવાએ વિધિ નિષ્ફળ ગયાનું નાટક કરી 'ઉપરવાળા રાજી નથી' કહીને પાંચ લાખ રૂપિયાનું તાવીઝ બનાવવું પડશે તેવું બહાનું આગળ ધરીને વધુ અઢી લાખ રૂપિયા પડાવી લીધા હતા. આટલું જ નહીં, લગ્નની વિધિના નામે પચાસ હજાર રૂપિયા રોકડા અને એકસઠ હજાર રૂપિયા રાહુલના બેંક ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. છેલ્લે માલવીયા ચોક ખાતે આવેલા પી.એમ. આંગળિયા મારફતે વધુ અઢી લાખ રૂપિયા મોકલાવવામાં આવ્યા હતા, આમ જુદા જુદા બહાના હેઠળ કુલ રૂ.૧૧,૧૧,૦૦૦/- ની મસમોટી રકમ ખંખેરી લેવામાં આવી હતી.

જ્યારે લાખો રૂપિયા આપ્યા છતાંય કોઈ રકમ પરત ન મળી અને ચાલીસ લાખની વિધિ પૂર્ણ ન થઈ, ત્યારે ભુવા અને રાહુલે વેપારી પર માનસિક દબાણ વધારવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ ભય ફેલાવ્યો હતો કે જો હવે વધુ નાણાં નહીં આપવામાં આવે તો ઘરમાં 'ઘનોત-પનોત' નીકળી જશે અને મોટું નુકસાન થશે. ભયના માર્યા વેપારીએ ત્રીજી વખત પણ નાણાં ચૂકવ્યા હતા, પરંતુ જ્યારે વિધિ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાનું જણાવીને આરોપીઓએ મૂળ રકમ પરત આપવાનો પણ સાફ ઇનકાર કરી દીધો, ત્યારે નીતેશભાઈને પોતાની સાથે મોટું આર્થિક છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

ઠગાઈનો ભોગ બન્યાની ખાતરી થતાં અંતે સાહસ કરીને વેપારી નીતેશભાઈ કામદારે ગત ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચીને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાહુલ અનંતરાય રૂપાણી અને ભુવા રમેશભાઈ ઈશ્વરભાઈ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ તેમજ પુરાવા એકત્રિત કરવાની કડક કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande