



પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શાહી ફેંકવાની ઘટના બાદ બે મહિલા કોંગ્રેસ કાર્યકરો સામે નોંધાયેલી FIRના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિશાળ રેલી યોજી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચીને રજૂઆત કરી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને અન્ય આગેવાનોએ પોલીસ કાર્યવાહી સામે વાંધો ઉઠાવી મહિલા કાર્યકરો સામેની કલમો રદ કરવાની માંગ કરી હતી.
ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો હતો કે, પૂરતી તપાસ વિના ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે મેડિકલ સર્ટિફિકેટ મેળવી ઈજાની ગંભીરતા ચકાસીને જરૂરી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાની માંગ કરી હતી.
કોંગ્રેસે મહિલા કાર્યકરોના જામીન માટે પોલીસ એફિડેવિટ રજૂ કરવા તેમજ ભાજપના મહિલા કાર્યકરો સામે વળતી ફરિયાદ નોંધવાની પણ માંગ કરી હતી.
સાંસદ ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે, ભાજપના મહિલા મોરચાના કાર્યકરો પૂર્વઆયોજિત રીતે કોંગ્રેસ કાર્યાલયે વિરોધ કરવા આવ્યા હતા અને પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ કાર્યકરો સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા ભાજપના કાર્યકરોને મદદ કરવામાં આવી હતી.
આ દરમિયાન કોંગ્રેસના પ્રતિનિધિમંડળે DySP પરેશ રેણુકા સમક્ષ રજૂઆત કરી હતી. પોલીસ મથકની બહાર કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જ્યારે સુરક્ષાના ભાગરૂપે ત્રણ સ્તરીય બેરિકેડિંગ ગોઠવવામાં આવ્યું હતું.
પોલીસે કોંગ્રેસ કાર્યકર જયાબેન ઠાકોર દ્વારા આપવામાં આવેલી ફરિયાદની તપાસ DySP પરેશ રેણુકાને સોંપી હતી. મહિલા કાર્યકર જેલમાંથી મુક્ત થયા બાદ તેમનું નિવેદન નોંધી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી.
કોંગ્રેસની રજૂઆત બાદ SPએ મેડિકલ સર્ટિફિકેટ મેળવવા અને ઈજાની ગંભીરતા અંગે તપાસ કરાવવા અધિકારીઓને સૂચના આપી હતી. ગંભીર ઈજા ન જણાય તો સંબંધિત કલમ અંગે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું.
આ સમગ્ર વિવાદ 12 ઓક્ટોબરે ભાજપ મહિલા મોરચાના કોંગ્રેસ કાર્યાલય ખાતેના વિરોધ પ્રદર્શન દરમિયાન શાહી ફેંકવાની ઘટના બાદ સર્જાયો હતો. બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં મામલો વણસ્યો હતો અને કોંગ્રેસના બે મહિલા કાર્યકરો સામે ગુનો નોંધાયો હતો.
SP તરફથી માંગણીઓ અંગે સકારાત્મક ખાતરી મળ્યા બાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આંદોલન સમેટી લીધું હતું. જોકે, ફરિયાદો અને પોલીસ કાર્યવાહી અંગેના બંને પક્ષના આક્ષેપો તથા તપાસના પરિણામો અંગે અંતિમ સ્થિતિ સત્તાવાર કાર્યવાહી બાદ સ્પષ્ટ થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ