
રાજકોટ, 14 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ નાગરિકોને ઝડપી સેવાઓ પૂરી પાડવાના હેતુથી આવતીકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ શાપર ખાતે નવનિર્મિત નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી) કચેરીનું લોકાર્પણ કરશે તેમજ ભૂમાફિયાઓ પાસેથી મુક્ત કરાવેલી જમીનોના દસ્તાવેજો મૂળ માલિકોને પરત સોંપશે.
શાપર-વેરાવળ એ રાજકોટ ગ્રામ્ય વિસ્તારનું એક અત્યંત મહત્વનું ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર છે. અહીંની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બને અને સ્થાનિક ઉદ્યોગકારો તથા સામાન્ય નાગરિકોને પોલીસ વહીવટની સેવાઓ વિલંબ વગર ત્વરિત મળી રહે તે માટે આ નવી ડીવાયએસપી કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કચેરી કાર્યરત થવાથી રાજકોટ ગ્રામ્ય પોલીસ તંત્રની કાર્યક્ષમતા અને ક્ષમતામાં મોટો વધારો થશે.
રાજકોટ રૂરલ પોલીસ દ્વારા ગુનેગારો અને ભૂમાફિયાઓ સામે ચાલી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિસ્તારમાં સક્રિય અલ્પેશ દોંગા અને તેની ગેંગ દ્વારા નિર્દોષ ખેડૂતોને ડરાવી-ધમકાવીને કથિત રીતે હડપી લેવામાં આવેલી કરોડો રૂપિયાની કિંમતની 44 જેટલી જમીનોના દસ્તાવેજો કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને મેળવવામાં આવ્યા છે, જે આવતીકાલે હર્ષ સંઘવીના હસ્તે ખેડૂતોને સન્માનપૂર્વક પરત કરાશે.
અલ્પેશ દોંગા અને તેની ટોળકી લાંબા સમયથી બોગસ દસ્તાવેજો અને ધાક-ધમકીથી ખેડૂતોની કિંમતી જમીનો પડાવી લેવામાં સક્રિય હતી. રૂરલ પોલીસે આ માફિયાઓ સામે આકરી કાનૂની કાર્યવાહી કરીને તમામ સંડોવાયેલા શખ્સો સામે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું હતું. પોલીસના આ કડક વલણને કારણે ખેડૂતોને પોતાની જમીન પુનઃ પ્રાપ્ત થઈ રહી છે, જેનાથી સમગ્ર ગ્રામ્ય પંથકના ખેડૂત પરિવારોમાં આનંદ અને સંતોષની લહેર વ્યાપી ગઈ છે.
આ સાથે જ, નાગરિકોની સમસ્યાઓનો ત્વરિત અને પોઝિટિવ ઉકેલ લાવવા તથા ઉત્કૃષ્ટ રેકર્ડ જાળવણી બદલ રાજકોટ રૂરલ પોલીસ તંત્રની પસંદગી આંતરરાષ્ટ્રીય કક્ષાના આઈએસઓ સર્ટિફિકેટ માટે કરવામાં આવી છે. લોકોમાં પોલીસ પ્રત્યેનો ભય દૂર કરી 'જનતાની મિત્ર' બનવામાં અને ટેકનિકલ ડિજિટાઈઝેશન દ્વારા પારદર્શી વહીવટ સ્થાપવામાં એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પોલીસે સ્થાપેલી આ સિદ્ધિ બદલ ગૃહમંત્રીના હસ્તે આઈએસઓ સર્ટિફિકેટ પણ એનાયત કરાશે.
આવતીકાલે સાંજે 4 વાગ્યે યોજાનારા આ કાર્યક્રમ અંતર્ગત એસપી વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં તૈયારીઓ આખરી ઓપ લઈ રહી છે. આ પ્રસંગે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે. આ આયોજન દ્વારા ગુજરાત સરકાર અને પોલીસ તંત્રએ ભૂમાફિયાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોની જમીન પર કબ્જો જમાવનારાઓને સહેજ પણ બક્ષવામાં આવશે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt