નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 'સિંગલ ક્લિક'થી 14853 ઉદ્યોગ સાહસિકોને રૂ.1100 કરોડના ઇન્સેન્ટિવનું વિતરણ
ગાંધીનગર,14 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોના સર્વાંગી વિકાસ અને ''ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ''ને નવી ઊંચાઈએ લઈ જવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ''વન-ક્લિક ઇન્સેન્ટિવ ડિસ્ટ્રિબ્યુશન'' કાર્યક્રમ યોજાય
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર,14 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોના સર્વાંગી વિકાસ અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને નવી ઊંચાઈએ લઈ જવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે 'વન-ક્લિક ઇન્સેન્ટિવ ડિસ્ટ્રિબ્યુશન' કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં હર્ષ સંઘવી દ્વારા સિંગલ ક્લિકના માધ્યમથી રાજ્યના ૧૪,૮૫૩ ઉદ્યોગોના બેંક ખાતામાં સીધા ₹૧,૧૦૦.૧૯ કરોડના ઇન્સેન્ટિવની સહાય જમા કરવામાં આવી હતી.

આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતની વિકાસ યાત્રાને દેશમાં અગ્રેસર રાખવામાં રાજ્યના ઉદ્યોગકારો અને વેપારીઓનું યોગદાન અનન્ય રહ્યું છે. આજે વિતરિત થયેલા ₹૧,૧૦૦.૧૯ કરોડના ઇન્સેન્ટિવમાંથી ૧૧,૦૫૨ જેટલા લાભાર્થીઓ નાના અને મધ્યમ કદના (MSME) ઉદ્યોગો છે.

'સિંગલ ક્લિક પેમેન્ટ કાર્યક્રમ’ અંતર્ગત MSMEની વિવિધ પ્રોત્સાહક યોજનાઓ હેઠળ ૧૧,૦૫૨ લાભાર્થીઓને રૂ. ૪૪૪.૦૩ કરોડ, ટેક્સટાઇલ યોજનાઓ હેઠળ ૩,૫૯૧ લાભાર્થીઓને રૂ. ૨૯૦.૪૨ કરોડની ચુકવણી કરવામાં આવી છે. આ ઉપરાંત લાર્જ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રના ૧૯૬ લાભાર્થીઓને રૂ. ૩૬૦.૮૯ કરોડ તથા અન્ય યોજનાઓ હેઠળ ૧૪ લાભાર્થીઓને રૂ. ૪.૮૫ કરોડની નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે.

સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ઉદ્યોગકારોની સાથે ખભે-ખભા મિલાવીને પારદર્શક વ્યવસ્થા ઊભી કરવા કટિબદ્ધ છે. નવી પોલિસી હેઠળ અગાઉ ઇન્સેન્ટિવ મેળવવા માટે બેંક લોન લેવી ફરજિયાત હતી તે નિયમ નાબૂદ કરવામાં આવ્યો છે, જેથી પોતાની મૂડીથી વ્યવસાય શરૂ કરનારા સાહસિકો પણ સીધો લાભ મેળવી શકશે. આ ઉપરાંત, વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બને તે માટે ૧૬ જેટલા કાગળો/દસ્તાવેજો ઘટાડવામાં આવ્યા છે અને છેલ્લા છ મહિનામાં ફાઇલોના નિકાલની ઝડપ ત્રણ ગણી વધી છે.

તેમણે ઉમેર્યું કે, કોઈપણ પ્રકારની ભલામણ કે લાગવગ વગર સંપૂર્ણ પારદર્શિતા જળવાય તે હેતુથી GIDC દ્વારા ઓનલાઇન લકી ડ્રો મારફતે MSME એકમો માટે ૮૫ એકર જમીનમાં ફેલાયેલા ૪૦૭ પ્લોટ્સની ફાળવણી સફળતાપૂર્વક કરવામાં આવી છે. નવી નીતિના પરિણામે લાર્જ ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં ૩૪૬થી વધુ નવી અરજીઓ આવી છે, જેમાં ૨૭ અરજીઓ એવી કંપનીઓની છે જે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પરત ફરી છે. ઉલ્લેખનીય છે કે, આજે નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે શેખપાટ, ખીરસરા-૨ અને સાણંદ-૨ ખાતે ૩,૦૦૦ ચો.મી.થી ઓછા વિસ્તારના ૪૦૭ એમ.એસ.એમ.ઈ. માટે ૪,૬૬૫ અરજીઓનો ઓનલાઇન ડ્રો કરી પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.

સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રથમ પેઢીના યુવા સાહસિકો અને મહિલા સ્ટાર્ટઅપ્સને વિશેષ પ્રોત્સાહન આપી રહી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં મહિલાઓને વધુમાં વધુ રોજગારી મળી રહે તેવા ઉદ્યોગોને વેગ અપાશે.

'સ્માર્ટ GIDC'ની વિભાવના અંગે વાત કરતાં તેમણે સ્પષ્ટ કર્યું કે, તમામ ઔદ્યોગિક વસાહતોમાં સ્વચ્છતા અને શ્રમિકો માટે પ્રાથમિક સુવિધાઓ ટોચની અગ્રતા હોવી જોઈએ. હવેથી GIDCમાં માત્ર રોડ બનાવવા માટે નહીં, પરંતુ ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ અને સર્વિસ લાઇનના સંયુક્ત આયોજન સાથે જ મંજૂરી અપાશે. આગામી સમયમાં નવી ટેકનોલોજી અને વૈશ્વિક પાર્ટનર્સ લાવવા માટે રાજ્ય સરકારની ટીમ જાપાન અને કોરિયાની મુલાકાત લેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગસાહસિકો દ્વારા સરકાર તરફથી મળી રહેલા કોન્સ્ટન્ટ સપોર્ટ અને ઇન્સેન્ટિવ પ્રક્રિયાનું સરળીકરણ તથા નવી ઉદ્યોગ પોલિસીથી મળી રહેલા લાભો સંદર્ભે પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉદ્યોગ વિભાગના વરિષ્ઠ અધિકારીશઓ, ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande