


- આશિતા પ્રજાપતિ, અમિપ પ્રજાપતિ અને સાહિલ રામીના સુમધુર કંઠે રાસ-ગરબાની રમઝટ
ગાંધીનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગર કલ્ચરલ ફોરમના પરંપરાગત નવરાત્રી મહોત્સવમાં ત્રીજા નોરતે ગરબાના આંગણે ખેલૈયાઓનો મહેરામણ ઉમટ્યો હતો. માતાજીની આરાધના, ગુજરાતી લોકસંસ્કૃતિ અને પરંપરાગત ગરબાના તાલે સમગ્ર ગરબા પ્રાંગણ ઉત્સાહ અને ઉમંગથી છલકાઈ ઊઠ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓએ મન મૂકીને ગરબે ઘૂમી નવરાત્રીની રંગતને વધુ ખીલવી હતી.
ગુજરાતનાં સુપ્રસિદ્ધ ગાયકો આશિતા પ્રજાપતિ, અમિપ પ્રજાપતિ અને સાહિલ રામીએ પોતાના સુમધુર કંઠે ગવાયેલા રાસ-ગરબાથી એવી રમઝટ બોલાવી હતી કે ખેલૈયાઓ અને પ્રેક્ષકો સંગીતના સૂર તથા તાલ સાથે ગરબાના રંગમાં રંગાઈ ગયા હતા. પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ ખેલૈયાઓના ઉત્સાહ અને લોકસંગીતની મધુરતાએ ત્રીજા નોરતાની રાત્રિને યાદગાર બનાવી હતી.
છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી પરંપરાગત રીતે યોજાતા ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાએ ગાંધીનગરના સાંસ્કૃતિક જીવનમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કલ્ચરલના ગરબા હવે માત્ર ગાંધીનગરના નાગરિકો માટે જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં વસતા મૂળ ગાંધીનગરવાસીઓ માટે પણ લાગણી, સંસ્કૃતિ અને વતન સાથે જોડાણનું પ્રતીક બની ગયા છે. નવરાત્રીનું પર્વ આવે એટલે દેશ-વિદેશમાં સ્થાયી થયેલા અનેક ગાંધીનગરવાસીઓને કલ્ચરલના ગરબાની યાદ સતાવવા લાગે છે. ઘણા ગરબાપ્રેમીઓ તો ખાસ કલ્ચરલના ગરબાનો આનંદ માણવા વિદેશથી ગાંધીનગર આવે છે. જ્યારે વિદેશમાં વસતા અનેક મૂળ ગાંધીનગરવાસીઓ જીવંત પ્રસારણના માધ્યમથી પોતાના વતનના આ સાંસ્કૃતિક ઉત્સવ સાથે જોડાયેલા રહે છે. આ રીતે કલ્ચરલના ગરબાએ ભૌગોલિક અંતરને પાર કરીને ગુજરાતી સંસ્કૃતિ અને વતનપ્રેમની લાગણીને જીવંત રાખી છે.
ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્રીજા નોરતાના ગરબાનું જીવંત પ્રસારણ 1.60 લાખથી વધુ દર્શકોએ નિહાળ્યું હતું. જીવંત પ્રસારણ દ્વારા દેશ-વિદેશના ગરબાપ્રેમીઓએ પણ આ ભાતીગળ પરંપરાગત નવરાત્રીનો આનંદ માણ્યો હતો. એક તરફ ગરબા પ્રાંગણમાં ખેલૈયાઓનો ઉત્સાહ છલકાતો હતો, તો બીજી તરફ ડિજિટલ માધ્યમ દ્વારા હજારો લોકો આ ઉત્સવ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા રહ્યા હતા. પરંપરા અને આધુનિક ટેક્નોલોજીના આ સમન્વયે કલ્ચરલના ગરબાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
નવરાત્રીના ત્રીજા નોરતે ખેલૈયાઓએ પોતાની પ્રતિભા, નૃત્યકૌશલ્ય અને આકર્ષક પોશાકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ તરીકે આયુષી શર્મા અને બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સ તરીકે કૌશલ પરમાર વિજેતા બન્યાં હતાં. બેસ્ટ પેર કેટેગરીમાં સન્ની રાજપુત અને અનુરાગની જોડીએ વિજય મેળવ્યો હતો. જ્યારે બેસ્ટ ક્વીન તરીકે નિધિ પટેલ અને બેસ્ટ કિંગ તરીકે ડૉ. અંકિત ત્રિવેદી વિજેતા જાહેર થયાં હતાં. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે કિંજલ બિહોલા અને બેસ્ટ ડ્રેસ પ્રિન્સ તરીકે ક્રિષવ બારોટ વિજેતા બન્યાં હતાં. ટીનેજર કેટેગરીમાં પ્રિન્સી સોની અને યક્ષ પરમાર વિજેતા થયાં હતાં. બેસ્ટ કીડ કેટેગરીમાં ક્રિષા ધાંધિયા અને વિહાન શેઠ, જ્યારે બેસ્ટ ચાઇલ્ડ કેટેગરીમાં જીન્સી પટેલ અને પ્રેરક વસાવા વિજેતા બન્યાં હતાં. તમામ વિજેતા ખેલૈયાઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.
આમ, ગાંધીનગર કલ્ચરલ ફોરમના નવરાત્રી મહોત્સવના ત્રીજા નોરતે ભક્તિ, સંગીત, પરંપરા અને લોકસહભાગિતાનો અદભુત સંગમ સર્જાયો હતો. ગરબાના વિશાળ આંગણામાં ઉમટેલો ખેલૈયાઓનો મહેરામણ, સુપ્રસિદ્ધ ગાયકોની સુમધુર રજૂઆતો અને દેશ-વિદેશના દર્શકોનો ઉત્સાહ આ મહોત્સવની લોકપ્રિયતાનો પરિચય કરાવતા હતા. ત્રણ દાયકાથી વધુ સમયથી જળવાયેલી આ પરંપરા આજે પણ ગુજરાતી લોકસંસ્કૃતિના સંવર્ધન અને નવી પેઢી સુધી તેના વારસાને પહોંચાડવાનું કાર્ય કરી રહી છે. કલ્ચરલના ગરબા માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ગાંધીનગરની સાંસ્કૃતિક ઓળખ, વતન સાથેની લાગણી અને ગુજરાતી અસ્મિતાને જોડતો જીવંત સેતુ બની રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ