

- રાજકોટના UV નવરાત્રી મહોત્સવમાં પરંપરા અને આધુનિક ટેક્નોલોજીનો અનોખો સંગમ.
રાજકોટ, 14 ઓકટોબર (હિ.સ.) : નવરાત્રી એટલે રંગબેરંગી પોશાક, તાલબદ્ધ ગરબા, ભક્તિ અને ઉત્સાહથી છલકાતું વાતાવરણ. સૌરાષ્ટ્રના રંગીલા શહેર રાજકોટમાં આ વખતે ગરબાના મેદાનમાં કંઈક એવું જોવા મળ્યું, જેણે ખેલૈયાઓની સાથે દર્શકોનું પણ ધ્યાન ખેંચ્યું. અહીં ગરબાના તાલે માત્ર યુવક-યુવતીઓ જ નહીં, પરંતુ એક રોબોટ પણ પગલાં ભરતો જોવા મળ્યો. રાજકોટના કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ક્લબ UV નવરાત્રી મહોત્સવમાં ‘પૃથ્વી’ નામનો રોબોટ ખેલૈયાઓની સાથે ગરબે ઘૂમ્યો હતો.
સૌરાષ્ટ્રમાં પહેલી વખત રોબોટ ગરબા રમતો જોવા મળ્યો હતો.
રાજકોટના કડવા પાટીદાર સમાજના આયોજન ક્લ્બ UV નવરાત્રિ મહોત્સવમાં પૃથ્વી નામનો રોબોટ ખેલૈયાઓની સાથે ગરબા રમતો નજરે પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પૃથ્વી નામનો રોબોટ મંગળવારે રાત્રે એટલે કે ત્રીજા નોરતા દરમિયાન ગરબે ઘૂમ્યો હતો, એ જ રીતે આજે ચોથા નોરતે એટલે કે બુધવારે રાત્રે પણ રાજકોટના ખેલૈયાઓ સાથે ક્લ્બ UV નવરાત્રિ મહોત્સવમાં ગરબે ઘૂમતો જોવા મળશે.
ત્રીજા નોરતે રાજકોટમાં આયોજિત ક્લ્બ યુવી નવરાત્રિ મહોત્સવમાં જેને આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું એ છે પૃથ્વી. એ કોઈ માનવી નથી પરંતુ પૃથ્વી નામનો રોબોટ છે જે માનવની જેમ જ ચાલતો, તાળી પાડતો અને ગરબાના સ્ટેપ લેતો નજરે પડ્યો હતો.
મંગળવારે રાત્રે નવરાત્રીના ત્રીજા નોરતે ‘પૃથ્વી’એ ગરબાના મેદાનમાં પ્રવેશ કર્યો ત્યારે પરંપરાગત ગરબાની સાથે આધુનિક ટેક્નોલોજીનું એક નવું દૃશ્ય જોવા મળ્યું હતું. ગરબાના તાલે હાથ અને પગની હિલચાલ કરતો રોબોટ ખેલૈયાઓની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ગુજરાતમાં નવરાત્રી માત્ર એક તહેવાર નથી, પરંતુ લોકસંસ્કૃતિ અને સામૂહિક ઉત્સવનું પ્રતીક છે. વર્ષોથી ગરબાની શૈલી, સંગીત અને આયોજનમાં બદલાવ આવતો રહ્યો છે.
ક્યાંક પરંપરાગત ગરબી આજે પણ પોતાની ઓળખ જાળવી રહી છે, તો ક્યાંક આધુનિક સંગીત, લાઇટિંગ અને નવીન પ્રયોગો નવરાત્રીને નવો રંગ આપી રહ્યા છે. આ જ બદલાતા માહોલ વચ્ચે રાજકોટના UV નવરાત્રી મહોત્સવમાં રોબોટનો ગરબો ચર્ચાનો વિષય બન્યો છે.
અત્યાર સુધી ગરબાના મેદાનમાં માનવીય કલાકારો અને ખેલૈયાઓની કળા જોવા મળતી હતી, પરંતુ હવે તેમાં રોબોટિક્સ જેવી ટેક્નોલોજીનો ઉમેરો થતો જોવા મળ્યો છે. ‘પૃથ્વી’ નામના રોબોટે ખેલૈયાઓની સાથે ગરબા રમીને ઉત્સવમાં નવીનતાનો અનુભવ કરાવ્યો હતો. આ દૃશ્ય માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતાં પરંપરાગત લોકઉત્સવમાં આધુનિક ટેક્નોલોજીના વધતા ઉપયોગ તરફ પણ ધ્યાન દોરે છે.
દર વર્ષે નવું કરવાની નેમ સાથે આયોજન કરતા ક્લ્બ યુવી નવરાત્રિ મહોત્સવના આયોજકોએ આ વર્ષે પોતાના ખેલૈયાઓને એક સરપ્રાઈઝ આપતા ત્રીજા નોરતાની રાત્રે 10 વાગ્યે પૃથ્વી નામના રોબોટને પ્રથમ સ્ટેજ ઉપર રજૂ કર્યો હતો. જ્યાં તે ગાયક કલાકારો સાથે ગરબે ઘૂમતો નજરે પડ્યો હતો.
આ પછી મેદાનમાં અલગ સ્ટેજ બનાવી તેને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને બાદમાં ક્લ્બ યુવીના ખેલૈયાઓ વચ્ચે પણ આ રોબોટ પૃથ્વી ગરબા રમતો નજરે પડ્યો હતો. આ દ્રશ્યો જોઈ સૌકોઈ આશ્ચર્ય ચકિત જરૂર થઇ ગયા હતા અને રોબોટને રમતો જોઈ પોતાના કેમેરામાં આ ક્ષણને કેપ્ચર કરી યાદગાર મુવમેન્ટ બનાવતા નજરે પડ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ