જામનગરમાં બાયો મેડિકલ વેસ્ટ ફેંકતા તબીબો સામે મનપાની લાલ આંખ, બે દિવસમાં ત્રણ ગાયનેક ડોક્ટરો દંડાયા
જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવાના હેતુથી હાથ ધરાયેલી ‘સ્વચ્છતા ઝુંબેશ’ અંતર્ગત દૈનિક સર્વેલન્સ અને કડક દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જાહેરમાં કચરો ફેંકતા નાગરિકો અને તબીબો સામે સોલિડ વેસ્ટ વિભાગ
કોર્પોરેશન


જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવાના હેતુથી હાથ ધરાયેલી ‘સ્વચ્છતા ઝુંબેશ’ અંતર્ગત દૈનિક સર્વેલન્સ અને કડક દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જાહેરમાં કચરો ફેંકતા નાગરિકો અને તબીબો સામે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા દંડ વસૂલીને લોકોને જાગૃત કરવાની કવાયત તેજ બનાવવામાં આવી છે.

તાજેતરમાં પી.એન. માર્ગ નજીક આવેલા વિસ્તારમાં જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ તંત્ર દ્વારા બે ગાયનેક ડોક્ટરો પાસેથી રૂ. ૧૦-૧૦ હજારનો વહિવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહીના બીજા જ દિવસે તેમની પડોશમાં જ હોસ્પિટલ ધરાવતા અન્ય એક મહિલા તબીબ સામે પણ જાહેરમાં તબીબી કચરો ફેંકવા બદલ રૂ. ૧૦ હજારનો દંડ ફટકારાયો હતો.

ત્યારબાદ વોર્ડ નંબર-૯ ની સેનેટરી ટીમના ઇન્સ્પેક્ટર બલવંત ચૌહાણ અને દીપકભાઈ પટેલે રાઉન્ડ દરમિયાન તે જ ગલીમાંથી ફરીથી મેડિકલ વેસ્ટ ઝડપી પાડ્યો હતો. આ ગંભીર બેદરકારી બદલ ગાયનેક ડો. ઈલાબેન પુનાતર પાસેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ હેઠળ રૂ. ૨૦ હજારનો દંડ વસૂલ કરાતાં, માત્ર બે દિવસમાં એક જ વિસ્તારના ત્રણ ડોક્ટરો દંડાત્મક કાર્યવાહીની ઝપટે ચડ્યા છે.

સ્થાનિકોની માંગ છે કે મહાનગરપાલિકા માત્ર વોર્ડ નંબર-૯ પુરતી સીમિત ન રહેતા તમામ વિસ્તારોમાં આ જ પ્રકારે કડક ઝુંબેશ ચલાવે. ખાસ કરીને વોર્ડ નંબર-૧૦ ના સુભાષ માર્કેટ પાસે (જ્યાં ૩ વર્ષથી) અને વોર્ડ નંબર-૧૩ ના માંડવી ટાવર પાછળ (જ્યાં ૬૦ વર્ષથી) દૈનિક સફાઈ બાદ પણ ઉકરડાની સ્થિતિ સર્જાય છે, ત્યાં પણ આવી જ દંડાત્મક કાર્યવાહી કરવી જરૂરી બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande