
પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.) સિદ્ધપુર તાલુકા પંચાયતની 18 -સહેસા બેઠકનાં સદસ્ય ક્રિષ્ણા વિજુસંગ ઠાકોરને ત્રણ સંતાનો હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવ્યાં છે. પાટણ જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલે ગુજરાત પંચાયત અધિનિયમ-1993 હેઠળ આદેશ કરીને તેમનું સદસ્ય પદ ખાલી જાહેર કર્યું છે. ક્રિષ્ણાબેન વર્ષ ૨૦૨૬ની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યાં હતાં. તેમની સામે રોહિતજી બાલસંગજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે ત્રણ સંતાનો હોવા છતાં ચૂંટણી ફોર્મમાં ખોટી માહિતી આપવામાં આવી હતી. કાયદા મુજબ, ૦૪/૦૮/૨૦૦૫ પછી બેથી વધુ સંતાનો ધરાવતી વ્યક્તિ પંચાયતના સદસ્ય પદ માટે ગેરલાયક ઠરી શકે છે.
ફરિયાદની તપાસ દરમિયાન ક્રિષ્ણાબેનનાં ત્રણ સંતાનોના જન્મ પ્રમાણપત્રો રજૂ થયાં હતાં. તેમાં જયદિપસિંહનો જન્મ ૧૫/૦૮/૨૦૧૩ના રોજ મહેસાણા ખાતે, ખુશીબેનનો જન્મ ૨૭/૧૨/૨૦૧૪ના રોજ કાકોશી ખાતે અને જાન્વીબેનનો જન્મ ૧૫/૦૨/૨૦૨૦ના રોજ સિદ્ધપુર ખાતે થયો હોવાનું સામે આવ્યું હતું. આમ, ત્રણેય સંતાનોનો જન્મ ૦૪/૦૮/૨૦૦૫ પછી થયો હોવાનું પુરાવાથી સ્પષ્ટ થયું હતું.
ક્રિષ્ણાબેને ત્રીજા સંતાન જાન્વીબેનને પોતાના જેઠ દલાજી ઠાકોરને દત્તક આપ્યાં હોવાનું જણાવ્યું હતું. જોકે, કાયદાકીય જોગવાઈ મુજબ જન્મ આપનાર માતા-પિતા માટે દત્તક આપેલું બાળક સંતાનોની ગણતરીમાંથી બાકાત ગણાતું નથી. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અનેક સુનાવણીઓ યોજાઈ હતી, પરંતુ સદસ્ય હાજર રહ્યાં નહોતાં. તમામ પુરાવા, જન્મ પ્રમાણપત્રો અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને DDO સી. એલ. પટેલે ક્રિષ્ણાબેન વિજુસંગ ઠાકોરને સદસ્ય પદેથી ગેરલાયક ઠેરવી 18 -સહેસા બેઠક ખાલી જાહેર કરવાનો આદેશ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ