




- અદાણી વિદ્યામંદિર ખાતે જિલ્લા કક્ષાનું બાળ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું.- જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી અંગે પણ આપ્યું માર્ગદર્શન.
કચ્છ, 14 ઓક્ટોબર (હિ.સ.) : વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, તાર્કિક વિચારશક્તિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી અદાણી વિદ્યામંદિર, ભદ્રેશ્વર ખાતે બાળ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન 2026-27નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરની પ્રેરણા હેઠળ મહારાણીશ્રી ગંગાબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજના સંયુક્ત ઉપક્રમે દુલેરાય કારાણી શાળા વિકાસ સંકુલ, મુન્દ્રા દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રદર્શનમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણને લગતી પોતાની સર્જનાત્મક કૃતિઓ રજૂ કરીને પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમમાં 37 શાળાઓના આચાર્યો, અંદાજે 57 બાળ વૈજ્ઞાનિકો, તેમના માર્ગદર્શક શિક્ષકો, વિવિધ ક્લસ્ટરના કન્વીનરો તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનથી વિદ્યાર્થીઓને પોતાની આવડત રજૂ કરવા અને અન્ય વિદ્યાર્થીઓની નવીન સંકલ્પનાઓમાંથી શીખવાની તક મળી હતી.
કાર્યક્રમના વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે પ્રદર્શનની વિવિધ કૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બાળ વૈજ્ઞાનિકો સાથે સંવાદ સાધી તેમની મહેનત અને સર્જનાત્મકતાને બિરદાવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષામાં અસરકારક રીતે અભ્યાસ કેવી રીતે કરવો, વાંચેલી બાબતો લાંબા સમય સુધી યાદ કેવી રીતે રાખવી અને આયોજનબદ્ધ રીતે તૈયારી કેવી રીતે કરવી તે અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે એસ.વી.એસ. કન્વીનર મેનાબેન મોઢા, એ.ઈ.આઈ. મેહુલભાઈ પરમાર, ભાવેશભાઈ ઉપાધ્યાય તથા અદાણી વિદ્યામંદિરના આચાર્ય ડૉ. અશુતોષ ઠાકર સહિત શિક્ષણજગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહક ઇનામરૂપે શિલ્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં.
કાર્યક્રમને સફળ બનાવવા એસ.વી.એસ.ના સ્નેહલભાઈ વ્યાસ, જીગ્નેશ ભાડજા તથા અદાણી વિદ્યામંદિરના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. અંતે વર્ગ-2 આચાર્ય અને એસ.વી.એસ. કન્વીનર ડૉ. મેનાબેન એન. મોઢાએ આભારવિધિ કરી હતી. આ સાથે બાળ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન 2026-27નું સફળતાપૂર્વક સમાપન થયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar