
- મોડસર અને જરુ ગામનાં મંદિરોમાં રાત્રિના સમયે ચોરીને આપ્યો હતો અંજામ- રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂ. 21,200નો મુદ્દામાલ રિકવર કરાયો.
કચ્છ, 14 ઓક્ટોબર (હિ.સ.) : પૂર્વ કચ્છના અંજાર વિસ્તારમાં આવેલા મંદિરોમાં રાત્રિના સમયે દાનપેટીની ચોરીની ઘટનાઓને ગંભીરતાથી લઈને અંજાર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મોડસર અને જરુ ગામનાં અલગ-અલગ મંદિરોમાં દાનપેટી ચોરીના ગુનાઓને અંજામ આપવાના આરોપસર પોલીસે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી ચોરી સાથે સંકળાયેલો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને પકડવા માટે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, મોડસર ગામના નિજ મંદિરમાં દાનપેટીની ચોરીની ઘટના બન્યા બાદ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાએ આ ગુનાને ગંભીરતાથી લીધો હતો. મંદિરો લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલાં હોવાથી ચોરીના બનાવનો ભેદ ઉકેલવા પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમને ટેકનિકલ તપાસ અને હ્યુમન સોર્સ મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે મંદિર ચોરીના ગુનામાં સંડોવાયેલો શખ્સ ફરી ચોરી કરવાના ઇરાદે અંજાર શહેરમાં હાજર છે.
બાતમીના આધારે પોલીસે રશીદ ઉર્ફે વલો દેશર સમા (28 વર્ષ, રહે. નાના દિનારા, ખાવડા, તા. ભુજ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવતાં તેણે આશરે આઠ દિવસ અગાઉ સલીમ જુણશ સમા અને હકીમ ઈબ્રાહીમ સમા સાથે મળીને જરુ ગામનાં અલગ-અલગ મંદિરોમાં તેમજ મોડસર ગામના નિજ મંદિરમાં દાનપેટીની ચોરી કરી હોવાની કબૂલાત આપી હોવાનું જણાવાયું છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ ચોરી કરેલી રોકડ રકમ ત્રણેય વચ્ચે વહેંચી લીધી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન, રૂ. 5,000 રોકડા અને બનાવમાં ઉપયોગમાં લેવાયેલી બજાજ ડિસ્કવર મોટરસાઇકલ સહિત કુલ રૂ. 21,200નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનાની તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે સલીમ જુણશ સમા અને હકીમ ઈબ્રાહીમ સમાને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.જી. વાળા, પીએસઆઈ આર.પી. જાડેજા અને અંજાર પોલીસ સ્ટાફે હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar