

- હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ભચાઉ પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડ્યા.- ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કાર પણ કબજે કરી.
કચ્છ, 14 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના ભચાઉ વિસ્તારમાં નોંધાયેલા અપહરણના ગુનામાં પોલીસને સફળતા મળી છે. ભચાઉ પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ આગળ ધપાવી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રૂ. 7 લાખની કિંમતની સ્કોર્પિયો કાર પણ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, ગત 10 ઓક્ટોબર, 2026ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશનમાં અપહરણ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 140(3), 115(2), 296(B), 351(3) અને 54 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ ગુનો દાખલ થયા બાદ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમે આરોપીઓ સુધી પહોંચવા માટે હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સનો સહારો લીધો હતો. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
પોલીસે ઝડપેલા આરોપીઓમાં સામખિયારીના શાંતિનગર પ્લોટ વિસ્તારમાં દાતાર હાઉસ પાસે રહેતો 37 વર્ષીય રજાક ગુલામ રસુલ રાયમા, મોરગરના રાઉમાવાસમાં રહેતો 41 વર્ષીય ઇસ્માઇલ ઉર્ફે જાવેદ મામદ રાઉમા, લાકડિયાના દાણવા દાદાવાસમાં રહેતો 41 વર્ષીય હનીફ જુસબ રાઉમા અને સામખિયારીના દાતારનગરમાં રહેતો 36 વર્ષીય ફિરોજ જાનમામદ રાઉમાનો સમાવેશ થાય છે.
આરોપીઓની ધરપકડ દરમિયાન પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી GJ-39-CD-5651 નંબરની સ્કોર્પિયો કાર કબજે કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ વાહનની અંદાજિત કિંમત રૂ. 7 લાખ છે. આમ, પોલીસે ગુનાના અનુસંધાને ચાર આરોપીઓ સાથે વાહન પણ કબજે કર્યું છે.
આ સમગ્ર કાર્યવાહી સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
ભચાઉ પોલીસ દ્વારા નોંધાયેલા ગુનાની આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar