



- મહિલા પોલીસની ટીમે ગરબા મંડળોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા, શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોનું ચેકિંગ; મુશ્કેલીના સમયે 112 પર જાણ કરવા નાગરિકોને અપીલ
કચ્છ, 14 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રીના રંગે રંગાયેલા ભુજ શહેરમાં મહિલાઓ અને યુવતીઓ નિર્ભયતાથી ગરબાની રમઝટ માણી શકે અને તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભુજ બી ડિવિઝન પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે. ગરબા મંડળોથી લઈને જાહેર માર્ગો સુધી સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવા પોલીસની ટીમો સક્રિય બની છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને અસામાજિક તત્ત્વોની ગતિવિધિઓ પર નિયંત્રણ લાવવાના હેતુથી મહિલા પોલીસ કર્મચારીઓ પણ મેદાનમાં ઉતરી છે.
પીઆઈ એસ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ રાત્રિના સમયે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ દરમિયાન શહેરનાં અલગ-અલગ ગરબા મંડળોની મુલાકાત લઈને આયોજકો સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે. ગરબા રમવા આવતા લોકોની સુરક્ષા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ જણાતાં વ્યક્તિઓ અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. જાહેર સ્થળોએ કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન થાય તથા મહિલાઓ અને યુવતીઓ સાથે છેડતી કે અન્ય કોઈ અનિચ્છનીય વર્તન ન થાય તે માટે પોલીસ કર્મચારીઓ સતત સતર્કતા દાખવી રહ્યા છે.
આ કામગીરીમાં એએસઆઈ સરોજબેન રાઠોડ, હેડ કોન્સ્ટેબલ રમીલાબેન શાહુ, કોન્સ્ટેબલ જયશ્રીબેન સાધુ, હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ નાનુભાઈ સહિતના કર્મચારીઓ જોડાયા છે. મહિલા પોલીસ કર્મચારીઓ ગરબા મંડળોની મુલાકાત દરમિયાન મહિલાઓ, યુવતીઓ અને વડીલો સાથે વાતચીત કરીને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવી રહ્યાં છે.
નવરાત્રી દરમિયાન કોઈપણ સ્થળે અસુરક્ષિત અનુભવ થાય, છેડતી જેવી ઘટના બને અથવા કોઈ શંકાસ્પદ હિલચાલ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. કટોકટીની સ્થિતિમાં નાગરિકો હેલ્પલાઇન નંબર 112 પર સંપર્ક કરી શકે છે.
ભુજ બી ડિવિઝન પોલીસની આ સઘન કામગીરીનો મુખ્ય હેતુ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે મહિલાઓ તથા યુવતીઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો છે, જેથી નાગરિકો નિશ્ચિંત બની નવરાત્રીની ઉજવણી કરી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar