
નવરાત્રિ દરમિયાન મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા માટે મહિલા પોલીસનું પેટ્રોલિંગ; અસામાજિક તત્ત્વો પર રાખવામાં આવી રહી છે બાજ નજર
કચ્છ, 14 ઓક્ટોબર (હિ.સ.) નવરાત્રિ પર્વ દરમિયાન ગરબી અને ગરબાના આયોજનોમાં મહિલાઓ તથા બાળકીઓની સુરક્ષા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસની શી-ટીમ દ્વારા વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન ગરબીમાં કેફી પીણું પીધેલી હાલતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ ઈસમોને પકડી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ સૂચનાઓના અનુસંધાને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ દ્વારા મહિલા પોલીસ કર્મચારીઓની શી-ટીમની રચના કરીને પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાતી ગરબીઓમાં વિશેષ નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. આ ટીમ દ્વારા પરંપરાગત વસ્ત્રોમાં ગરબી મંડળોની મુલાકાત લઈને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી તહેવાર દરમિયાન મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત માહોલમાં ગરબે રમી શકે.
પેટ્રોલિંગ દરમિયાન શી-ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અલગ-અલગ ગરબી મંડળોમાં તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન ત્રણ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ગરબીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસે તેમને પકડી પાડ્યા હતા. ત્યારબાદ ત્રણેય ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નવરાત્રિ દરમિયાન ગરબી મંડળોમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસની આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ શી-ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar