
- ‘ઓપરેશન ડીપ મેનિફેસ્ટ’ હેઠળ DRIની દેશવ્યાપી કાર્યવાહી, દુબઈની કંપનીઓના નકલી દસ્તાવેજો દ્વારા પાકિસ્તાની માલનું મૂળ છુપાવવાનો કારસો ઝડપાયો.
કચ્છ, 14 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના કંડલા અને મુન્દ્રા બંદરો મારફતે પાકિસ્તાની મૂળના માલની આયાત પરના પ્રતિબંધને બાયપાસ કરવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ પર્દાફાશ કર્યો છે. ‘ઓપરેશન ડીપ મેનિફેસ્ટ’ હેઠળ હાથ ધરાયેલી તપાસમાં અંદાજે રૂ.30 કરોડની બજારકિંમત ધરાવતા પાકિસ્તાની ઔદ્યોગિક અને હિમાલયન રોક સોલ્ટના 7,311 મેટ્રિક ટન જથ્થા સાથે સંકળાયેલા 295 કન્ટેનરની આયાતનો ખુલાસો થયો છે. આ મામલે ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
DRIને મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે 26 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર, 2026 દરમિયાન દેશનાં વિવિધ શહેરોમાં સંકલિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામ, આદિપુર, વેરાવળ, પાણીપત, પુણે, પટિયાલા, દિલ્હી અને મુંબઈમાં તપાસ તથા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં માર્ચ 2026થી નવ આયાતકારો દ્વારા કંડલા અને મુન્દ્રા બંદરો મારફતે પ્રતિબંધિત માલ મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં જાણવા મળ્યું કે પાકિસ્તાનથી આવેલા માલને શ્રીલંકાના કોલંબો બંદર મારફતે મોકલી તેનું મૂળ સ્થાન છુપાવવાનો પ્રયાસ થયો હતો. આ માટે સંયુક્ત આરબ અમીરાત (UAE) સ્થિત કંપનીઓનાં નામે નકલી સર્ટિફિકેટ ઓફ ઓરિજિન અને ઇનવોઇસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી છે. જોકે, શિપમેન્ટ સંબંધિત બિલ્સ ઓફ લેડિંગ અને શ્રીલંકાના કસ્ટમ્સમાં નોંધાયેલા દસ્તાવેજોમાં માલનું મૂળ પાકિસ્તાન હોવાનું તથા અંતિમ ગંતવ્ય ભારત હોવાનું દર્શાવાયું હતું.
DRIએ કંડલા બંદરેથી રૂ.24.41 લાખની કિંમતનો 140 મેટ્રિક ટન રોક સોલ્ટ ધરાવતા પાંચ કન્ટેનર જપ્ત કર્યા છે. આ ઉપરાંત, આયાતકારોનાં બેંક ખાતાંમાં રહેલી રૂ.20.96 લાખની વેચાણની રકમ પણ જપ્ત કરવામાં આવી છે.
આ કેસમાં આયાતકાર પેઢીઓના બે માલિકો અથવા ભાગીદારો, કસ્ટમ્સ બ્રોકરના જી-કાર્ડધારક અને દુબઈ સ્થિત સપ્લાયર પેઢીના માલિક સહિત ચારની કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પહેલગામ આતંકવાદી હુમલા બાદ 2 મે, 2025ના રોજ ભારત સરકારે પાકિસ્તાનમાં ઉત્પાદિત અથવા ત્યાંથી નિકાસ કરાયેલા માલની પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત અને ટ્રાન્ઝિટ પર પ્રતિબંધ મૂક્યો હતો. DRIની આ કાર્યવાહીથી પ્રતિબંધિત માલની હેરફેર માટે અપનાવવામાં આવતી આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓનો પર્દાફાશ થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar