
- કીડીયાનગર રેલવે સ્ટેશન પાસે માનવતાભરી કામગીરીથી માતા અને નવજાતને મળી સુરક્ષિત સારવાર- પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારે 112 ટીમની કામગીરીને બિરદાવી.
કચ્છ, 14 ઓક્ટોબર (હિ.સ.) : પોલીસનું કામ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતું સીમિત નથી, પરંતુ મુશ્કેલીના સમયે નાગરિકોની પડખે ઊભા રહી માનવતાની ફરજ નિભાવવાનું પણ છે. પૂર્વ કચ્છના ગાગોદર પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક ટીમે આવી જ સંવેદનશીલતા અને સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રસૂતિની પીડાથી પરેશાન મહિલાને સમયસર તબીબી સારવાર ઉપલબ્ધ કરાવી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવેલી મદદને પગલે તબીબો દ્વારા સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી હતી. પોલીસની આ ત્વરિત કામગીરીથી ચિંતિત પરિવારને મોટી રાહત મળી હતી.
મળતી માહિતી મુજબ, ગત તા. 13 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 9:18 વાગ્યે ગાગોદર પોલીસ સ્ટેશનની ફરજ પરની 112 જનરક્ષક ટીમને ઇમરજન્સી કોલ મળ્યો હતો. રાપર તાલુકાના કીડીયાનગર રેલવે સ્ટેશન નજીક એક મહિલા પ્રસૂતિની પીડાથી પીડાઈ રહી હોવાની જાણ કરવામાં આવી હતી. રેલવે સ્ટેશનની આસપાસ રહી મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતા પરિવારની મહિલા માટે તાત્કાલિક તબીબી મદદની જરૂરિયાત ઊભી થઈ હતી.
મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં પરિવારજનોએ સૌપ્રથમ 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કર્યો હતો. જોકે, નજીકમાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન થતાં પરિવારની ચિંતા વધી હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં નજીકમાં રહેલી 112 જનરક્ષક ટીમને જાણ કરવામાં આવતાં પોલીસ કર્મચારીઓએ ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક સ્થળ પર પહોંચી મદદની કામગીરી શરૂ કરી હતી.
112 ટીમે મહિલાને વિલંબ કર્યા વિના ગાગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે પહોંચાડી હતી. ત્યાંથી વધુ સારવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહિલાને ચિત્રોડ ખાતે ખસેડવામાં આવી હતી. અહીં હાજર તબીબોએ જરૂરી તબીબી સારવાર આપી સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે પરિસ્થિતિને લઈને તેઓ ભારે ચિંતામાં હતા, પરંતુ સમયસર મળેલી મદદથી તેમને મોટી રાહત મળી હતી. પરિવારે 112 જનરક્ષક ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ માનવતાભરી કામગીરીની પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારે સરાહના કરી હતી અને પોલીસ કર્મચારીઓને આવી જ નિષ્ઠા, સતર્કતા તથા સેવાભાવથી ફરજ બજાવતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ સમગ્ર કામગીરી 112 સેલના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. અમૃતીયાના માર્ગદર્શન હેઠળ ગાગોદર પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક ટીમમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ દ્વારા કરવામાં આવી હતી. મુશ્કેલીના સમયે સમયસર પહોંચેલી પોલીસની મદદે ફરી એકવાર સાબિત કર્યું છે કે ખાખી વર્દી માત્ર સુરક્ષાનું પ્રતીક નથી, પરંતુ જરૂરિયાતના સમયે માનવતાનો સહારો પણ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar