




કચ્છ, 14 ઓક્ટોબર (હિ.સ.) : સરહદની સુરક્ષા સાથે સરહદી વિસ્તારોમાં વસતા નાગરિકોના કલ્યાણ અને વિકાસ માટે પણ સીમા સુરક્ષા દળ (BSF) સતત પ્રયત્નશીલ છે. આ જ અભિગમ સાથે BSFની 90મી બટાલિયન દ્વારા કચ્છના ધોરડો ગામની સરકારી પ્રાથમિક શાળામાં વર્ષ 2026-27ના નાગરિક કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલ અંતર્ગત સરહદી વિસ્તારની છ સરકારી શાળાઓને અંદાજે પાંચ લાખ રૂપિયાની રમતગમતની સામગ્રી અને આવશ્યક સુવિધાઓ અર્પણ કરવામાં આવી હતી.
14 ઑક્ટોબરના રોજ સવારે 10:30થી બપોરે 1 વાગ્યા સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં 90મી બટાલિયન BSFના કમાન્ડન્ટ વિજય કુમાર સહિત BSFના અધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રમતગમતમાં આગળ વધવાની તક પૂરી પાડવાનો અને શાળાઓમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો.
BSF દ્વારા ધોરડો, પન્નાવરી, ગોરેવાળી-2, ગોરેવાળી ગ્રુપ શાળા, ઉડમા અને અધિયાંગની સરકારી શાળાઓને વિવિધ ઉપયોગી સાધનો આપવામાં આવ્યાં હતાં. તેમાં 150 લિટરની ક્ષમતાવાળા બે વોટર કૂલર, 100 લિટરની ક્ષમતાવાળા બે વ્યાવસાયિક RO વોટર પ્યુરિફાયર, ફૂટબોલ, વૉલીબૉલ, નેટ, ક્રિકેટ અને બેડમિન્ટનની સામગ્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરમ બોર્ડ, પ્લાસ્ટિકની ખુરશીઓ, ટેબલો, મોટી સ્ટીલની અલમારીઓ અને કચરાપેટીઓ પણ આપવામાં આવી હતી. આ સુવિધાઓથી શાળાઓમાં સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા અને રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે.
કમાન્ડન્ટ વિજય કુમારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં શિક્ષણને રાષ્ટ્રના ઘડતરમાં મહત્ત્વપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સરહદી વિસ્તારોના નાગરિકો સાથે વિશ્વાસ અને સદભાવનાના સંબંધો મજબૂત બનાવે છે.
કાર્યક્રમમાં ધોરડોના સરપંચ મિયા હુસૈન, પોલીસ ઇન્સ્પેક્ટર તેજલ, અન્ય સ્થાનિક પ્રતિનિધિઓ તથા એગ્રોસેલના પ્રતિનિધિઓ સહિત આશરે 200 વિદ્યાર્થીઓ અને શિક્ષકો, 110 ગ્રામજનો અને BSFના 40 જવાનો જોડાયા હતા. BSF અધિકારીઓએ ગ્રામજનોને ગામમાં કોઈ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે તો નજીકની BSF છાવણીને જાણ કરવા અપીલ કરી હતી.
શિક્ષણ, રમતગમત અને સામાજિક સદભાવનાને પ્રોત્સાહન આપતી આ પહેલ સરહદની સુરક્ષા સાથે સ્થાનિક સમાજના વિકાસ પ્રત્યે BSFની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar