
સુરત, 14 ઓક્ટોબર (હિ.સ.): બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS), સુરત શાખા કાર્યાલય દ્વારા ‘વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે-2026’ નિમિત્તે અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા અને નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણની ઉપસ્થિતિમાં 'માનક મહોત્સવ' યોજાયો હતો.
ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોમાં ગુણવત્તા, સુરક્ષા અને સ્વચ્છ ઊર્જા પ્રત્યે વ્યાપક જાગૃતિ લાવવાના હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમમાં અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ જણાવ્યું કે, પોલીસ વિભાગનું કામ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું નથી, પરંતુ જનસુરક્ષા અને જનહિતનું રક્ષણ કરવાનું પણ છે. આ દ્રષ્ટિએ BIS અને પોલીસની ભૂમિકા એકસરખી છે. નકલી, હલકી ગુણવત્તાવાળા કે ધારાધોરણો વગરના ઉત્પાદનોના કારણે નાગરિકોની સુરક્ષા જોખમાય છે. BIS (માનક)માં 'ગુણવત્તા' અને પોલીસમાં 'સુરક્ષા' આ બંનેનો અંતિમ ઉદ્દેશ્ય નાગરિકોનો વિશ્વાસ જીતવાનો છે.
તેમણે ઉમેર્યું કે, વર્ષ 2026માં અણુ, થર્મલ અને સોલર ઊર્જા જેવા સ્વચ્છ અને ટકાઉ ઊર્જાના સ્ત્રોતોનો વિકાસ કરવો જરૂરી છે. પરંતુ તેની સાથે માનવીએ પોતાની 'આંતરિક ઊર્જા' અને ચેતનાનો પણ સતત વિકાસ કરવો જોઈએ, જે વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને વ્યાવસાયિક સ્તરે આગળ વધવાની સાચી તાકાત પૂરી પાડે છે.
નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણે રોજિંદા જીવનમાં ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ અને સેવાઓના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, બજારમાં મળતી નકલી અને અપ્રમાણભૂત વસ્તુઓથી માનવ જીવનને ગંભીર નુકસાન થાય છે. બે-પાંચ રૂપિયા સસ્તી મળતી વસ્તુઓ લાંબા ગાળે મોટું નુકસાન પહોંચાડે છે. જ્યારે વેપારી અને ગ્રાહક તરીકે આપણે ગુણવત્તા સાથે બાંધછોડ એ પોતાના તેમજ સમાજ માટે જોખમી બને છે.
સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ-2030 અને સ્વચ્છ ઊર્જાની સંકલ્પનાને સાકાર કરવા માટે આપણે આપણા ઘરથી જ BIS અને ISI માર્કાવાળી વસ્તુઓનો આગ્રહ રાખવો જોઈએ એવો તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો..
ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને પર્યાવરણ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવતા બીઆઈએસ ધારકો, BIS પ્રવૃત્તિઓમાં મહત્વનું પ્રદાન કરનારા ઉદ્યોગકારો, સ્ટાન્ડર્ડ ક્લબમાં સક્રિય ભૂમિકા ભજવનાર BIS મેન્ટર્સ તેમજ માનકીકરણ પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર યોગદાન આપનાર BIS રિસોર્સ પર્સન્સનું સન્માન કરવામાં આવ્યું હતું.
ભારતીય માનક બ્યુરો-સુરતના ડિરેક્ટર અને વડા વિક્રાંતે જણાવ્યું કે, ગ્રાહકો, ઉદ્યોગ એકમો, જાહેર અને ખાનગી સાહસો માટે વિશ્વ માનક દિને વિશેષ જનજાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવે છે, અને ટકાઉ વિકાસ માટેના પ્રયાસોમાં યોગદાન આપવાની પ્રેરણા આપવામાં આવે છે. ભારતમાં ઉત્પાદનની ગુણવત્તા સુધારવામાં અને પર્યાવરણ સામેના પડકારોને પહોંચી વળવામાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની ચાવીરૂપ ભૂમિકા છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે, ઊર્જા આપણા ઘરો, ઉદ્યોગો, સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ અને આર્થિક વિકાસ માટે અત્યંત આવશ્યક છે. ભારત જ્યારે સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં પોતાની મહત્વકાંક્ષી યોજનાઓ સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે સૌર ઊર્જા પ્રણાલીઓ, એનર્જી એફિશીયન્ટ, બેટરી અને એનર્જી સ્ટોરેજ, ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ઊર્જા ટેકનોલોજીમાં માનકોનું મહત્વ વધુ વધી જાય છે. હાલમાં સોના, ચાંદી, ફર્નિચર, સ્ટીલ સહિતના 1300 થી વધુ વિવિધ ઉત્પાદનો બીઆઈએસ(ISI માર્ક) હેઠળ આવરી લેવામાં આવ્યા છે
આ તકે સનફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓએ સોનાના દાગીના પર 'હોલમાર્કીંગ' અંગે જાગૃતિ લાવવા માટે નુક્કડ નાટક પ્રસ્તુત કર્યું હતું. આ પ્રસંગે બગડિયાએ ઉપસ્થિત સૌને ગુણવત્તા જાળવણીની વિશેષ પ્રતિજ્ઞા લેવડાવી હતી.
આ વેળાએ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ, એમ.આર.એફ. ટાયર્સ, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) અને પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગના નિષ્ણાત વક્તાઓના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ-2030: SDG 7 અને ‘કિફાયતી અને સ્વચ્છ ઊર્જા’, 'હર ઘર બાયોગેસ’ વિષય પર માહિતીપ્રદ વ્યાખ્યાન યોજાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે