
રાજકોટ, 14 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકા ખાતે ક્રેડાઈ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન અને મનપાના પદાધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં બાંધકામ ક્ષેત્રને સ્પર્શતા અને વર્ષોથી અટવાયેલા વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત લેખિત રજૂઆત કરવામાં આવી હતી. મેયર ડો. નેહલ શુકલ, કમિશનર તુષાર સુમેરા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં બિલ્ડરોના પ્રશ્નો પ્રત્યે તંત્ર દ્વારા હકારાત્મક વલણ દાખવવામાં આવ્યું હતું.
બેઠકમાં રજૂ કરાયેલા મુખ્ય મુદ્દાઓમાં મનપા કક્ષાએ પરામર્શ માટે લાંબા સમયથી પેન્ડિંગ પડેલી ૧૪ જેટલી ટી.પી. સ્કીમોનો ઝડપી નિકાલ કરવાની માગણી અગ્રસ્થાને રહી હતી. ટી.પી. સ્કીમ અટકેલી હોવાથી જમીનમાલિકો અને ડેવલપર્સના અનેક પ્રોજેક્ટ્સ ખોરંભે પડ્યા છે. એસોસિએશને આ પ્રક્રિયા ચોક્કસ સમયમર્યાદામાં પૂર્ણ કરી ઠરાવ પસાર કરવા મનપા તંત્રને અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત, બિલ્ડિંગ પ્લાનમાં હાઈટ રિસ્ટ્રિક્શનના નિયમમાં વ્યવહારુ સુધારો કરીને ઊંચાઈની મર્યાદા ૩.૨૫ મીટરથી વધારીને ૪.૨૫ મીટર કરવાની રજૂઆત કરાઈ હતી. સાથોસાથ, લેબર કોલોની માટે રિઝર્વ પ્લોટ પર લેવાતા દૈનિક ચાર્જને બદલે માસિક કે વાર્ષિક ધોરણે ચાર્જ વસૂલવા તથા ૧.૮થી વધુ ગ્રાઉન્ડ FSI માટે ભરવા પડતા ચાર્જમાં વ્યાજ વગરના બે હપ્તા કરી રાહત આપવા માંગ કરવામાં આવી હતી.
એસોસિએશને ભારપૂર્વક જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં માત્ર રાજકોટમાં જ પાર્કિંગ યુટિલિટી ડિપોઝિટ લેવામાં આવે છે, જે અન્ય કોઈ કોર્પોરેશનમાં લાગુ નથી. આ નિયમ બિલ્ડરો અને મિલકતધારકો માટે બોજારૂપ હોવાથી તેને તાત્કાલિક અસરથી રદ કરવા રજૂઆત કરાઈ હતી. પાર્કિંગ યુટિલિટી રદ થવાથી બાંધકામ ક્ષેત્રને મોટો આર્થિક ટેકો મળી રહેશે.
બાંધકામ ઉદ્યોગ શહેરના આર્થિક વિકાસ અને રોજગારી સાથે સીધો સંકળાયેલો હોવાથી મંજૂરીની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવી જરૂરી છે. બિલ્ડર્સ એસોસિએશનની તમામ વ્યવહારુ મુશ્કેલીઓ અને માંગણીઓ ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ, મેયર ડો. નેહલ શુકલે આ તમામ પ્રશ્નોનો સકારાત્મક અભિગમ સાથે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt