
મહેસાણા, 14 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ખેડૂતો બાગાયત ક્ષેત્રે નર્સરી વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા હોય તો વર્ષ 2026-27 માટેની સહાય યોજનાનો લાભ લઈ શકશે. નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કેન્દ્ર પુરસ્કૃત HRT-9 અને 13 યોજના હેઠળ મોટી અને નાની નર્સરી સ્થાપવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ખેડૂતો 25 ઓક્ટોબર, 2026 સુધી આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર અરજી કરી શકશે.
યોજના હેઠળ 1થી 2 હેક્ટર વિસ્તાર ધરાવતી મોટી નર્સરી અને 0.4થી 1 હેક્ટર વિસ્તાર ધરાવતી નાની નર્સરી સ્થાપવા માટે સહાયની જોગવાઈ છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયા દરમિયાન આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. સાથે જ જરૂરી દસ્તાવેજો સ્પષ્ટ રીતે અપલોડ કરવાના રહેશે.
અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે. વિભાગની મંજૂરી મળ્યા પછી ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ક્લેઈમ સબમિટ કરવાનો રહેશે. ત્યારબાદ જરૂરી સાધનિક કાગળો પર સહી કરીને માંગવામાં આવેલા પુરાવા સાથે નાયબ બાગાયત નિયામકની કચેરીમાં જમા કરાવવાના રહેશે.
દસ્તાવેજો રૂમ નંબર એસ-2, બ્લોક નંબર-1, બહુમાળી ભવન, મહેસાણા ખાતે કચેરીના કામકાજના દિવસોમાં રૂબરૂ જમા કરાવવાના રહેશે. બાગાયત વિભાગે જિલ્લાના વધુમાં વધુ ખેડૂતોને યોજનાનો લાભ લેવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR