
ભાવનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : ધરોહર સ્થાન હમ્પીમાં ‘ભારત સ્વસ્તિક યાત્રા’ અંતર્ગત રામકથાના ચોથા દિવસે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ ગૌમાતાના મહત્ત્વ અંગે ચિંતન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ગાયના ચાર આંચળ માત્ર શરીરનાં અંગ નથી, પરંતુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનાં પ્રતીક સમાન છે. આ સાથે તેમણે સ્વસ્તિક દર્શનનો ભાવ પણ સમજાવ્યો હતો.
રામકથા દરમિયાન મોરારિબાપુએ સ્વસ્તિકનાં ૧૨ દર્શનનો ઉલ્લેખ કરતાં માનસ અને વેદ દર્શન, ગૌમાતા દર્શન, સાધુ દર્શન, આચાર્ય દર્શન તથા રાષ્ટ્ર દર્શન સહિતના વિવિધ દર્શનોનું મહત્ત્વ સમજાવ્યું હતું. ગૌમાતા દર્શન પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે ગાયની પૂજા કરવી સારી બાબત છે, પરંતુ ગાય પ્રત્યે પ્રેમ રાખવો અને તેની સેવા કરવી વધુ જરૂરી છે. તેમણે પોતે પણ ગૌસેવા સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું હતું.
નવરાત્રિના સંદર્ભમાં મોરારિબાપુએ વિવિધ વંદનાઓ સાથે હમ્પીની પવિત્ર ભૂમિને નમન કર્યું હતું. હનુમાનજીના સ્મરણ સાથે તુંગભદ્રા, શબરી, જાનકી અને સ્વયંપ્રભા મંદિર સહિત પાંચ માતૃશક્તિની ચેતનાભૂમિનું મહાત્મ્ય પણ રજૂ કર્યું હતું.
હમ્પીમાં કથાગાન પૂર્ણ થયા બાદ મોરારિબાપુ દેશ-વિદેશના ભાવિક શ્રોતાઓ સાથે રેલવે માર્ગે પાંચમા દિવસની રામકથા માટે તુલજાપુર તરફ પ્રયાણ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA