
- શહેરી આવાસ ક્ષેત્રે સૌથી વધુ રિફોર્મ્સ, BLC આવાસોની મહત્તમ પૂર્ણતા અને TPS પ્રોસિઝરની શ્રેષ્ઠ પ્રથા માટે રાજ્ય સરકારે મેળવી સિદ્ધિ
ગાંધીનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ની અસરકારક અમલવારીમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. શહેરી આવાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી, સુઆયોજિત શહેરી વિકાસ અને લાખો પરિવારોને પાકાં ઘર પૂરાં પાડવા બદલ ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ગુજરાતને વિવિધ શ્રેણીમાં ૩ રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે આયોજિત વિશેષ સમારોહમાં કેન્દ્રીય શહેરી બાબતોના રાજ્યમંત્રી તોખન સાહુના વરદ હસ્તે ગુજરાત વતી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવ રેમ્યા મોહને આ રાષ્ટ્રીય સન્માન સ્વીકાર્યું હતું.
ગુજરાતને પ્રથમ પુરસ્કાર ‘સ્ટેટ વીથ હાઇએસ્ટ નંબર ઓફ રીફોર્મ્સ અચિવ PMAY (U) 2.0’ શ્રેણીમાં મળ્યો છે. સામાન્ય નાગરિકોને પોષાય તેવા આવાસની સુવિધા ઝડપી અને પારદર્શી બનાવવા માટે ભારત સરકારના શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જમીન, શહેરી આયોજન, નિયમનકારી પ્રક્રિયા, ડિજિટલ ટેકનોલોજી અને નાણાકીય વ્યવસ્થાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં ૧૪ જેટલા રિફોર્મ્સ સૂચવવામાં આવ્યા હતા. ગુજરાતે દેશનાં અન્ય તમામ રાજ્યોની સરખામણીએ સૌથી વધુ રિફોર્મ્સ સફળતાપૂર્વક અમલમાં મૂકી આ સિદ્ધિ મેળવી છે.
બીજો પુરસ્કાર ‘સ્ટેટ વીથ હાઇએસ્ટ કમ્પ્લીશન ઓફ BLC હાઉસીસ PMAY (U) – બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ’ શ્રેણીમાં પ્રાપ્ત થયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ચાર ઘટકો પૈકીના એક બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન (BLC) ઘટક હેઠળ મંજૂર થયેલાં આવાસોમાંથી ગુજરાતે દેશમાં સૌથી વધુ ૯૬ ટકા આવાસોના કામ પૂર્ણ કર્યા છે. દેશમાં મહત્તમ આવાસો પૂર્ણ કરવાની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ રાજ્યને આ પુરસ્કાર મળ્યો છે.
આ ઉપરાંત, ત્રીજો પુરસ્કાર ‘બેસ્ટ પ્રેક્ટિસ ઇન ટાઉન પ્લાનિંગ સ્કીમ (TPS) પ્રોસિઝર’ શ્રેણીમાં મળ્યો છે. રાજ્યમાં “ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ, ૧૯૭૬” હેઠળ અસરકારક TPS વ્યવસ્થા અમલી છે. આ સિસ્ટમ હેઠળ રહેણાંક ઝોન તથા ૧૦ ટકા SEWS પ્લોટ્સ પરવડે તેવા આવાસ માટે અનામત રાખવામાં આવે છે. તેનાથી શહેરોમાં મોટા પાયે એફોર્ડેબલ હાઉસિંગ માટે જમીન ઉપલબ્ધ થઈ છે. આ શ્રેષ્ઠ પ્રથાની નોંધ લઈને ગુજરાતને આ શ્રેણીમાં પણ સન્માનિત કરવામાં આવ્યું છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે હર્ષ વ્યક્ત કરતાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત શહેરી વિકાસ અને ગરીબ કલ્યાણના ક્ષેત્રે નવોદિત કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. ભારત સરકાર દ્વારા મળેલા આ ૩ રાષ્ટ્રીય પુરસ્કારો રાજ્યની ટીમ વર્ક અને સુશાસનની નીતિની સફળતાની પ્રતીતિ કરાવે છે.”
‘PMAY-U’ અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૧.૧૪ લાખ આવાસો મંજૂર કરાયા છે, જેમાંથી ૯.૩૦ લાખથી વધુ આવાસોનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી દેવાયું છે. વર્ષ ૨૦૨૫-૨૬થી અમલી બનેલી ‘PMAY-U 2.0’ અંતર્ગત અત્યાર સુધીમાં ૧.૫૦ લાખથી વધુ નવા આવાસો મંજૂર કરી રાજ્યના શહેરોના લાભાર્થીઓને સાંકળી લેવામાં આવ્યા છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
યોજનાની સફળ અમલવારી અંગે અભિનંદન પાઠવતાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતને વર્ષ ૨૦૧૫-૧૬ થી ૨૦૨૬ સુધીમાં શહેરી આવાસ ક્ષેત્રે ૧૪ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. હવે નવા ૩ પુરસ્કારો ઉમેરાતાં રાજ્યની સિદ્ધિઓમાં કુલ ૧૭ રાષ્ટ્રીય એવોર્ડનો ગૌરવપૂર્ણ સમન્વય થયો છે. આ પુરસ્કારો જ ગુજરાતની ત્વરિત અને પારદર્શી કાર્યશૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. શહેરી વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ અને નબળા વર્ગના પરિવારોને માત્ર પાકું મકાન જ નહીં, પરંતુ તમામ પ્રાથમિક સુવિધાઓ સાથેનું સન્માનજનક જીવન પૂરું પાડવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે.
આ રાષ્ટ્રીય પુરસ્કારો ગુજરાતની ઉત્કૃષ્ટ આયોજનશક્તિ, પારદર્શી અમલીકરણ અને છેવાડાના માનવી સુધી સુશાસનના ફળ પહોંચાડવાની મજબૂત સંકલ્પશક્તિનો પ્રત્યક્ષ પુરાવો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતે 'હાઉસિંગ ફોર ઓલ' અને 'સર્વસમાવેશક શહેરી વિકાસ'ની દિશામાં સમગ્ર દેશ માટે ફરી એકવાર પથદર્શક બનીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ