
જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી દરમિયાન વીજ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક અને ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો છે. સરકારી ફરજમાં રુકાવટ ઉભી કરી વીજ ટીમને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સ્થાનિક શખ્સ વિરુદ્ધ પોલીસે ગઈકાલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર, મૂળ ભાવનગરના માલણકા ગામના વતની અને હાલ નિકાવા PGVCL સબ ડિવિઝનમાં વિદ્યુત સહાયક તરીકે ફરજ બજાવતા અજયભાઈ બળવંતભાઈ ઘાપા (૨૯) ગત તા. ૦૮/૧૦ના રોજ સવારના સમયે પોતાની ટીમ સાથે નીકાવા ગામે આવેલી ગેબીપીરની દરગાહ સામેના વિસ્તારમાં રહેણાંક મકાનોમાં સ્માર્ટ મીટર બદલવાની કામગીરી અર્થે ગયા હતા.
વીજ ટીમ જ્યારે પોતાની નિયત કામગીરી કરી રહી હતી ત્યારે સ્થાનિક રહીશ રફીકશા કાદરશા શાહમદાર નામના શખ્સે કામગીરી અટકાવીને બખેડો ઊભો કર્યો હતો. આરોપીએ વીજ કર્મચારીઓ સાથે મોટા અવાજે બોલાચાલી કરી જેમ-ફાવે તેમ વર્તન કર્યું હતું અને સ્માર્ટ મીટર લગાવવાની સખત મનાઈ ફરમાવી હતી.
આટલેથી ન અટકતાં આરોપી રફીકશાએ વીજ ટીમને ધમકી આપતા જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ફરીથી આવતા નહીં અને કોઈએ સ્માર્ટ મીટર લગાવવું નહીં. જો બીજી વાર અમારા લતામાં આવશો તો તમારી જિંદગી બગાડી નાખીશ. આ પ્રકારે સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી ધમકાવવા બદલ કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે કાયદાકીય ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt