અમરેલીમાં પ્રાકૃતિક ખેતીના પોષણયુક્ત ખોરાકને પ્રોત્સાહન! કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે ‘પોષણ થાળી કાર્યક્રમ-2026’ યોજાયો
અમરેલી, 14 ઓક્ટોબર (હિ.સ.) અમરેલીની કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે ‘પોષણ થાળી કાર્યક્રમ-2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિ પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ તથા કોલેજના આચાર્ય ડૉ.
અમરેલીમાં પ્રાકૃતિક ખેતીના પોષણયુક્ત ખોરાકને પ્રોત્સાહન! કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે ‘પોષણ થાળી કાર્યક્રમ-2026’ યોજાયો


અમરેલી, 14 ઓક્ટોબર (હિ.સ.) અમરેલીની કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે ‘પોષણ થાળી કાર્યક્રમ-2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિ પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ તથા કોલેજના આચાર્ય ડૉ. એસ. પી. દેશમુખના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંતુલિત આહાર, પોષણયુક્ત ખોરાક, સ્થાનિક અને પરંપરાગત વાનગીઓ તેમજ સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવાનો હતો.

વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા વિવિધ પોષણયુક્ત ખાદ્યપદાર્થો

કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પોષણયુક્ત અને પરંપરાગત વાનગીઓના ફૂડ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ સ્ટોલમાં સ્થાનિક અનાજ, કઠોળ, શાકભાજી, ફળો અને અન્ય પોષક ખાદ્યસામગ્રીમાંથી બનાવવામાં આવેલી વિવિધ વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને પોષણ અંગેના વ્યવહારુ જ્ઞાનની સાથે ખાદ્યપદાર્થોની બનાવટ, આકર્ષક રજૂઆત, મૂલ્યવર્ધન અને વેચાણની સંભાવનાઓ સમજવાની તક મળી હતી. આ સાથે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વ્યવસાયલક્ષી વિચારસરણી અને ઉદ્યોગસાહસિકતાને પણ પ્રોત્સાહન મળ્યું હતું.

મહાનુભાવોએ ફૂડ સ્ટોલની મુલાકાત લીધી

આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. એસ. પી. દેશમુખ, FWWB ટીમ, અમરેલી, કોલેજના સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ વિવિધ ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનગીઓ, તેમની પોષક વિશેષતાઓ અને ખાદ્યપદાર્થોના મૂલ્યવર્ધન અંગેની માહિતી મેળવી હતી. તેમણે વિદ્યાર્થીઓના પ્રયાસોની સરાહના કરી હતી.

પ્રાકૃતિક ખેતી અને પોષણ વચ્ચેના સંબંધ પર ભાર

કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત ખાદ્યપદાર્થો, સ્થાનિક અનાજ અને કઠોળ તેમજ મોસમી ફળો અને શાકભાજીને દૈનિક આહારમાં સામેલ કરવાના મહત્ત્વ અંગે સમજ આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતીના માધ્યમથી જમીનની તંદુરસ્તી જાળવવા, પર્યાવરણનું સંરક્ષણ કરવા અને સ્થાનિક ખાદ્ય વૈવિધ્યને પ્રોત્સાહન આપવા અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

‘પોષણ થાળી’ની સંકલ્પના દ્વારા વિદ્યાર્થીઓને શરીરની જરૂરિયાત મુજબ પોષક તત્ત્વો ધરાવતો સંતુલિત આહાર પસંદ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને પોષણ અંગેના જ્ઞાનને વ્યવહારુ અનુભવ સાથે જોડવાની તક મળી હતી.

આમ, અમરેલીની કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે યોજાયેલો આ કાર્યક્રમ પોષણ જાગૃતિ, સ્વસ્થ જીવનશૈલી, પ્રાકૃતિક ખેતી અને ખાદ્ય ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતો ઉપયોગી પ્રયાસ બની રહ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય સંદેશ ‘સ્વસ્થ જમીન, પોષણયુક્ત ખોરાક અને સ્વસ્થ જીવન’ રહ્યો હતો, તેમ કોલેજની યાદીમાં જણાવાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande