દિવાળી પૂર્વે રાજકોટની ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટ પુનઃ શરૂ, વેપારીઓમાં હરખની હેલી
રાજકોટ, 14 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલી ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટ ચાવી સોંપીને વેપારીઓ માટે પુનઃ ખુલ્લી મુકાતા ભારે ખુશીનો માહોલ છવાયો છે. એકાદ વર્ષ જૂની સમસ્યાનો અંત આવતા અને દિવાળીના તહેવારો પૂર્વે જ જૂની મૂળ જગ્યા પરત
મેયર ડો. નેહલ શુક્લ


રાજકોટ, 14 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલી ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટ ચાવી સોંપીને વેપારીઓ માટે પુનઃ ખુલ્લી મુકાતા ભારે ખુશીનો માહોલ છવાયો છે. એકાદ વર્ષ જૂની સમસ્યાનો અંત આવતા અને દિવાળીના તહેવારો પૂર્વે જ જૂની મૂળ જગ્યા પરત મળતા સ્થાનિક વેપારીઓએ મનપાના પદાધિકારીઓનો ફૂલહાર અને મીઠાઈ ખવરાવી આભાર માન્યો હતો.

આજરોજ મેયર ડો. નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા અને માર્કેટ સમિતિના ચેરમેન મોહિતસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ બાઈક પર માર્કેટ પહોંચ્યા હતા. તંત્ર દ્વારા વેપારીઓની રજૂઆત ધ્યાને લઈને ધંધા-રોજગાર ચાલુ રહે તે રીતે બે તબક્કામાં રિનોવેશન કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ સાઈડના ભાગે પતરા લગાવી કામગીરી શરૂ કરાશે અને ત્યારબાદ વચ્ચેના ભાગનું રિનોવેશન થશે.

છેલ્લા પચાસ વર્ષથી વેપાર કરતા સ્થાનિક વેપારીઓએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જ્યુબેલી માર્કેટમાં જગ્યા અપાઈ હતી. ત્યાં ગ્રાહકોનો સાથ મળતો હતો, પરંતુ મૂળ ઐતિહાસિક જગ્યાએ પરત ફરવાનો આનંદ અનોખો છે. તહેવારો ટાણે આ નિર્ણયથી વેપાર-ધંધામાં મોટો ફાયદો થશે અને જે ગ્રાહકો અંતરના કારણે આવી શકતા નહોતા તેઓ પણ હવે સરળતાથી ખરીદી કરી શકશે.

ઉલ્લેખનીય છે કે 1380 ચોરસમીટર વિસ્તાર ધરાવતી આ હેરિટેજ માર્કેટમાં આધુનિક સુવિધાઓ સાથે નવું આયોજન કરાયું છે. રિનોવેશન બાદ અહીં 148 થડા, 22 દુકાનો અને 20 જેટલી વખારો તૈયાર કરવામાં આવશે. ગત વર્ષે હોકર્સ ઝોનની જાહેરાત બાદ સર્જાયેલા વિવાદ અને કોર્ટ કાર્યવાહી બાદ આખરે રિનોવેશનનો રસ્તો સાફ થયો હતો, જેનાથી હવે વેપારીઓને વધુ રોજગારી અને ગ્રાહકોને ઉત્તમ સુવિધા મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande