
- ખેતરથી લઈને સ્વાદિષ્ટ રસોડા અને વ્યાપાર સુધી: આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ
2026 અને ગુજરાતનું આત્મનિર્ભર મોડેલ.- ગામડાંની નારી, સુ ખી અને સશક્ત બનનારી: ગ્રામીણ મહિલા કલ્યાણ ક્ષેત્રે ગુજરાત સરકારની ક્રાંતિકારી યોજનાઓ.
રાજપીપળા, 14 ઓકટોબર (હિ.સ.) : દર વર્ષે 15 ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ ગ્રામીણ અર્થતંત્ર, કૃષિ ક્ષેત્ર, પોષણ અને સામાજિક વિકાસમાં મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવવાનો છે. કોઈપણ રાજ્ય કે દેશનો વાસ્તવિક વિકાસ તેના ગ્રામીણ વિસ્તારોના વિકાસ વિના શક્ય નથી, અને ગુજરાત સરકારે ગ્રામીણ મહિલાઓને સશક્ત, આત્મનિર્ભર અને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે સરાહનીય કામગીરી કરી છે.
ગુજરાતમાં ગુજરાત રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત લાખો ગ્રામીણ મહિલાઓને સ્વસહાય
જૂથો સાથે જોડવામાં આવી છે. આ જૂથો દ્વારા મહિલાઓને સરળતાથી ધિરાણ, કૌશલ્યવર્ધન તાલીમ અને પોતાના ઉત્પાદનો વેચવા માટે મેળાઓ અને ડિજિટલ પ્લેટફોર્મ જેવા માર્કેટિંગ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેનાથી ગામડાંની મહિલાઓ હવે માત્ર ગૃહિણી ન રહેતાં સફળ મહિલા ઉદ્યોગસાહસિક બની રહી છે.
ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રમાં દૂધ ઉત્પાદન અને પશુપાલનનો સિંહફાળો છે, જેમાં મહિલાઓનું
યોગદાન સૌથી વિશેષ છે. સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓ અને અમૂલના માધ્યમથી મહિલાઓને સીધો આર્થિક લાભ અને વહીવટી સત્તા મળી છે. આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા મહિલાઓને નવીનતમ ખેતી પદ્ધતિઓની તાલીમ આપીને કૃષિ ક્ષેત્રે તેમને સક્ષમ બનાવવામાં આવી રહી છે.
ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' અને પોષણ સુધા યોજના જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી ગર્ભવતી અને ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર મળી રહે છે. સાથે જ, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ઘરનું માલિકી હક મહિલાઓના નામે આપીને સરકારે તેમને સામાજિક સુરક્ષા અને સન્માન આપ્યું છે.
આજના આધુનિક યુગમાં ગ્રામીણ મહિલાઓ પાછળ ન રહી જાય તે માટે બેંક સખી અને પંચાયત સ્તરે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટેની વિશેષ તાલીમ આપવામાં આવે છે. આજે ગુજરાતના ગામડાંની મહિલાઓ ક્યુઆર કોડ, ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઇન વહીવટમાં પણ સક્ષમ બની છે.
આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ 2026 એ ગ્રામીણ નારીશક્તિના અથાક પરિશ્રમ અને સમર્પણને નમન કરવાનો દિવસ છે. ગુજરાત સરકારે શિક્ષણ, આજીવિકા, આરોગ્ય અને ટેકનોલોજીના સમન્વયથી ગ્રામીણ મહિલાઓને માત્ર આત્મનિર્ભર જ નથી બનાવી, પરંતુ તેમને રાજ્યના આર્થિક વિકાસની મુખ્યધારામાં લાવી મૂકી છે. ગ્રામીણ નારીનું આ સશક્તીકરણ જ વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ