
જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામમાં અનુસૂચિત જાતિના સમાજ માટે નિર્માણધીન સમાજવાડીના બાંધકામને લઈને ભારે વિવાદ સર્જાયો છે. બાંધકામના મુદ્દે થયેલા ઘર્ષણમાં કેટલાક શખ્સોએ ટ્રેક્ટર વડે આંબેડકરવાડીની દીવાલ તોડી પાડી નુકસાન પહોંચાડ્યું હતું. આ સાથે સમાજના લોકોને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી, મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગત અનુસાર, ગામમાં રહેતાં આશાબેન જાદવે પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગત તા. ૧૩ના રોજ તેમના ઘરની પાછળ આવેલી શેરીમાં આંબેડકરવાડીનું બાંધકામ ચાલી રહ્યું હતું, ત્યારે કેટલાક શખ્સો આવી સમાજના લોકો સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા. આ દરમિયાન રતુભાઈ ગામીએ જાતિ વિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. ત્યારબાદ ટીનાભાઈ પટેલે ગુલશનભાઈ નામના વ્યક્તિને ધક્કો મારી પાડી દેતા તેમને ઈજા થઈ હતી, જ્યારે નરેન્દ્રભાઈને ઢીકા-પાટુનો માર મારવામાં આવ્યો હતો.
આ વિવાદ વધતા રતુભાઈનો પુત્ર દીપ, ટ્રેક્ટર લઈને આવ્યો હતો અને એક અજાણ્યા શખ્સે ટ્રેક્ટરની મદદથી આંબેડકરવાડીની દીવાલ તોડી પાડી હતી. અન્ય એક ટ્રેક્ટર વડે પણ બાંધકામને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી સમાજના લોકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે ૧૧૨ ઇમરજન્સી સેવા મારફતે જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સ્થિતિ થાળે પાડી હતી.
આ મામલે પોલીસે આશાબેનની ફરિયાદના આધારે રતુભાઈ ગામી, નીલેશભાઈ ગામી, સુરેશભાઈ ગામી, રમેશભાઈ ગામી, થોભણભાઈ ગામી, અંકિતભાઈ ભેસદડીયા, તુષારભાઈ ભેસદડીયા, ટીનાભાઈ પટેલ, દીપ રતુભાઇ અને એક અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની આગળની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt