
રાજકોટ, 14 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ નજીક આવેલા ન્યારા ગામ પાસે રાત્રિના સમયે એક ટેમ્પોચાલકને આંતરીને લૂંટ ચલાવવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. બે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ટેમ્પોચાલકને રોકી, તેની આંખોમાં સ્પ્રે છાંટી અને માર મારીને રોકડ રકમ તેમજ ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ વાહનમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે ચાલકે ફરિયાદ નોંધાવતાં પડધરી પોલીસ અને રૂરલ એલસીબીની ટીમોએ લૂંટારૂઓની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે.
બનાવની વિગત અનુસાર, ન્યારા ગામ ખાતે પ્રાથમિક શાળા સામે રહેતા અને ટેમ્પો (કેરી ગાડી) ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મોતીભાઇ હેમતભાઈ ચાવડીયા (36) ગત તા.12ના રોજ પોતાનું વાહન લઈને ભાડું કરવા ગયા હતા. તેઓ લોધિકાના છાપરા ગામે આવેલ કારખાનેથી પ્લાસ્ટિકના દાણા ભરી જેતપુર ખાલી કરવા ગયા હતા. ત્યાંથી ફેરાના રૂ.2,800 તથા પોતાના રૂ. 7,000 મળી કુલ રૂ.9,800ની રોકડ રકમ સાથે તેઓ સાંજે જેતપુરથી પરત ફરી રહ્યા હતા. રસ્તામાં ગરનાળા ગામે પોતાના મિત્રને મળીને તેઓ કોલીથડ, લોધિકા અને ખીરસરા થઈ ઈશ્વરીયાથી ન્યારા ગામ તરફ પોતાના ઘરે જઈ રહ્યા હતા.
દરમિયાન, રાત્રિના આશરે દશેક વાગ્યાના સુમારે ઈશ્વરીયાથી ન્યારા રોડ પર જી.એમ. કારખાનાના પાટિયા પાસે પહોંચતા બે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ તેમને આંતર્યા હતા. એક લાલ કલરના બાઈક પર એક શખ્સ અને બીજા બાઈક પર બે શખ્સો સવાર હતા. આ શખ્સોએ વારંવાર ઓવરટેક કર્યા બાદ એક બાઈક ચાલકે ટેમ્પોની સમાંતર વાહન ચલાવી ગાડી સાઈડમાં રાખવા કહ્યું હતું. ચાલકે ગાડી ઉભી ન રાખતા, અજાણ્યા શખ્સે પોતાના હાથ વડે ડ્રાઇવર સાઇડનો કાચ તોડી નાખ્યો હતો, જેથી ચાલકે નાછૂટકે ગાડી સાઈડમાં ઊભી રાખવી પડી હતી.
જેવા મોતીભાઈ ગાડીનો દરવાજો ખોલી નીચે ઉતરવા ગયા કે તુરંત જ લૂંટારૂએ તેમની આંખોમાં કોઈ સ્પ્રેનો છંટકાવ કરી દીધો હતો. સ્પ્રેના કારણે આંખોમાં તીવ્ર બળતરા થવા લાગતાં તેઓ કંઈ જોઈ શકે તેમ નહોતા. આ જ સમયે બાકીના બે શખ્સો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે મોતીભાઈનો શર્ટ પકડીને ઢીકાપાટુનો ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ લૂંટારૂઓએ તેમના ખિસ્સાં ફંફોળીને ફેરાના ભાડાના તથા અંગત મળીને કુલ રૂ. 9,800ની રોકડ રકમ કાઢી લીધી હતી.
માત્ર રોકડથી ન ધરાયેલા લૂંટારૂઓએ મોતીભાઈના હાથમાં પહેરેલું ચાંદીનું કડું અને જમણા હાથના અંગૂઠામાં પહેરેલી ચાંદીની વીંટી પણ બળજબરીપૂર્વક કાઢી લીધી હતી. આ ઉપરાંત, હુમલાખોરોએ તેમનો મોબાઈલ ફોન ખિસ્સામાંથી કાઢીને રસ્તા પર જ ફેંકી દીધો હતો. નાસતા પહેલાં લૂંટારૂઓએ ટેમ્પોના ડ્રાઇવર સાઇડના ગ્લાસ તેમજ આગળના કાચમાં તોડફોડ કરી આશરે રૂ. 8,000નું નુકશાન પહોંચાડ્યું હતું અને ઘટનાસ્થળેથી બાઈક પર ફરાર થઈ ગયા હતા.
ઘટના બાદ ભોગ બનનાર ચાલકે પડધરીની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. આ બનાવમાં રોકડ અને ચાંદીના દાગીના મળી કુલ રૂ. 72,300ની મતાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ અંગે મોતીભાઈએ ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પડધરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પડધરી પોલીસ અને રૂરલ એલસીબીની ટીમોએ આ ગંભીર ગુનામાં સંડોવાયેલા લૂંટારૂઓનું સુરાગ મેળવવા તેમજ તેમને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલુ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt