
- સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સરકારની વિવિધ યોજનાઓ અને સહાય અંગે માર્ગદર્શન અપાયું
રાજપીપળા,14 ઓકટોબર (હિ.સ.) સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજે રાજપીપળા સ્થિત કુમાર આશ્રમશાળા ખાતે ‘સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ’ અંતર્ગત સ્ટાર્ટઅપ અને ઇનોવેટર્સને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન ઉપસ્થિત રહ્યાં હતાં.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને આઈ.ટી.આઈ. રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ
કાર્યક્રમમાં આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવીન વિચારો, સંશોધન, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતાને
પ્રોત્સાહન આપવાનો તેમજ સરકારની વિવિધ યોજનાઓ અને સહાય અંગે માર્ગદર્શન આપવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી માવાણીએ બેન્કેબલ યોજના સહિત સરકાર દ્વારા
ઉદ્યોગસાહસિકોને આપવામાં આવતી વિવિધ સહાય અને યોજનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતાં. ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારીએ SSIP 2.0 અંતર્ગત નવીન વિચારો અને ઇનોવેશનની નોંધણી પ્રક્રિયા તેમજ સરકારશ્રી દ્વારા મળવાપાત્ર સહાય અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
કોલેજના પ્રિન્સિપાલ માંગરોલા અને તેમની ટીમે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને
પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ અને સહાય અંગે માહિતી આપી હતી. જ્યારે આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલ અને તેમની ટીમે આઈ.ટી.આઈ.માં અમલમાં રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ, તાલીમની તકો અને સરકાર તરફથી મળતી સહાય અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓને પોતાના નવીન વિચારોને સાકાર કરવા, સ્વરોજગાર તરફ
આગળ વધવા અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માટે પ્રેરણા તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ