
ભાવનગર, 14 ઓક્ટોબર (હિ.સ.)હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે આરોગ્યલક્ષી સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે નવરાત્રિના પાવન અવસરે હોસ્પિટલમાં ન્યૂરોસર્જરી વિભાગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સુવિધા શરૂ થતાં હવે મગજ, મણકા અને કરોડરજ્જુ સંબંધિત ગંભીર બીમારીઓ તથા ઈજાઓની સર્જરી મહુવામાં જ કરાવી શકાશે.
ન્યૂરોસર્જરી વિભાગ માટે આધુનિક મશીનો, અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતું માઇક્રોસ્કોપ અને જરૂરી તબીબી સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સુવિધાના પ્રારંભ પ્રસંગે હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી ડો. કે.ડી. પારેખ, સીઈઓ ડો. ચિંતન શનિશ્વરા, ટ્રસ્ટી કે.પી. મહેતા અને બાબુભાઈ જેઠવા દ્વારા હનુમાનજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય અને પૂજન કરીને નવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મહુવા અને આસપાસના વિસ્તારોમાં માર્ગ અકસ્માતો તેમજ ઊંચાઈ પરથી પડી જવા જેવી ઘટનાઓમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કિસ્સાઓમાં દર્દીઓને તાત્કાલિક અને વિશેષ સારવારની જરૂરિયાત રહેતી હોય છે. આવી સ્થિતિમાં દર્દીઓને અન્ય શહેરોમાં સારવાર માટે લઈ જવાની મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
હવે હનુમંત હોસ્પિટલમાં ન્યૂરોસર્જરી વિભાગ કાર્યરત થતાં મગજ અને કરોડરજ્જુને લગતી ગંભીર સમસ્યાઓમાં જરૂરી સર્જરીની સુવિધા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બનશે. આ પહેલથી મહુવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને સમયસર સારવાર મેળવવામાં મદદ મળશે. આરોગ્ય સેવાઓના વિસ્તરણથી સ્થાનિક લોકોને ઘરઆંગણે આધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો હેતુ સાકાર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA